બિનસચિવાલય પરીક્ષા આંદોલન : મંગળવારથી વિદ્યાર્થીઓ આમરણાંત ઉપવાસ કરશે

10 December, 2019 09:33 AM IST  |  Gandhinagar

બિનસચિવાલય પરીક્ષા આંદોલન : મંગળવારથી વિદ્યાર્થીઓ આમરણાંત ઉપવાસ કરશે

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ઘણી ગેરરીતિઓ સામે આવી હતી અને જેનાં કૉન્ગ્રેસે એક પ્રેસ-કૉન્ફરન્સ કરી સીસીટીવી ફુટેજ પણ રજૂ કર્યાં હતાં. બીજી તરફ ગુજરાતના અલગ-અલગ શહેરના વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માગણી સાથે ગાંધીનગરમાં સરકારની સામે આંદોલન પણ કર્યું હતું. પહેલા દિવસે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસના દંડા પડ્યા હતા અને બીજા દિવસે ગાંધીનગરના કલેક્ટર સાથે બેઠક થયા પછી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા યુવરાજસિંહ વિદ્યાર્થીઓનો સાથ છોડીને જતા રહ્યા હતા.
છતાં પણ વિદ્યાર્થીઓએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું હતું અને આ આંદોલનને કૉન્ગ્રેસનો સપોર્ટ મળ્યો હતો. સતત ચોથા દિવસે પણ પરીક્ષા રદ કરવાની માગણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ વિસ્ટા ગાર્ડન ખાતે રસ્તા પર બેસી રહ્યા છે. વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ દર્શાવવા માટે ગાર્ડનની દીવાલ પર અલગ-અલગ પ્રકારનાં બૅનરો પણ લગાવ્યાં છે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે. સરકારના આંદોલન કૉન્ગ્રેસ પ્રેરિત હોવાના આક્ષેપને લઈને એક વિદ્યાર્થીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે અમે તમામ પક્ષના લોકોને આવકારીએ છીએ. વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન બીજેપીના ધારાસભ્યો પણ અમને મળવા આવી શકે છે, જ્યાં સુધી અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.

gujarat gandhinagar