સુરતના પાલ ઉમરા બ્રિજના અસરગ્રસ્તોને અલ્ટિમેટમ

14 November, 2019 08:24 AM IST  |  સુરત

સુરતના પાલ ઉમરા બ્રિજના અસરગ્રસ્તોને અલ્ટિમેટમ

સુરત પાલ ઉમરા બ્રિજ

સુરત શહેરના દસ લાખથી વધુ લોકોની જરૂરિયાત બનેલા પાલ ઉમરા બ્રિજનું કોકડું દોઢ વર્ષ બાદ પણ હજી ઉકેલાયું નથી. સુરત મહાનગરપાલિકાના બીજેપીના શાસકો અને વહીવટી તંત્ર માટે ગળાનું હાડકું બનેલા પાલ-ઉમરા બ્રિજનું કામ તો ૯૫ ટકા પૂર્ણ થઈ ગયું છે. જોકે જમીનનો કબજો નહીં છોડતાં પાંચ ટકા કામને લઈ દોઢ વર્ષથી અટવાયું છે. ત્યારે પાલિકાના નવનિયુક્ત કમિશનરે મામલો ઉકેલવા જમીન અને મકાનમાલિકો સાથે બેઠક કરી હતી. ૨૨ પૈકી સાત લોકો તો માની ગયા છે. જોકે અન્ય લોકો નહીં માનતાં કમિશનરે તેમને યોગ્ય નિર્ણય લેવા માટે સાત દિવસનો સમય આપ્યો છે અને જો સાત દિવસ બાદ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો મહાનગરપાલિકા પોતાની સત્તાનો ઉપયોગ કરી જમીન સંપાદન કરી શકે છે એવું પણ રોકડું જણાવી દીધું હતું.

ચાર દિવસ અગાઉ જ પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ પાલ-ઉમરા બ્રિજના ઉમરાગામતળ તરફે સાઇટ વિઝિટ કરી હતી. બ્રિજનું કામ માત્ર પાંચ ટકા જ બાકી હોઈ અને ચાર વર્ષથી જમીનના કબજાનો પ્રશ્ન હલ નહીં થઈ શકતાં કમિશનર અકળાયા હતા. બુધવારે સાંજે કમિશનર પાનીએ અસરગ્રસ્તોને વાતચીત માટે બોલાવ્યા હતા. બેઠક અંગે કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને બ્રિજ અંગેની માહિતી અને તેમને વળતરમાં શું મળશે એની વિગતો જણાવવામાં આવી હતી. જોકે હાજર પૈકી બે અસરગ્રસ્તોએ આનાકાની કરી હતી. તેઓ જે જમીન તેમને આપવાની છે એને લઈને સંમત નથી. આથી અસરગ્રસ્તોને એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આગામી બુધવાર સુધીમાં અસરગ્રસ્તોએ પોતાનો નિર્ણય પાલિકાને જણાવવાનો રહેશે, આ દરમિયાન તેઓ પોતાના વકીલ સાથે પણ મારી વાત કરાવી શકે છે. પરંતુ આગામી બુધવારે જો તેઓ પોતાનો નિર્ણય નહીં જણાવે તો સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સત્તાનો ઉપયોગ કરી જમીન હસ્તગત કરવામાં આવશે અને ત્યાર બાદ તેમને કોઈ આર્થિક કે જમીનનો લાભ નહીં મળે.

અગાઉ જમીન છોડવા નહીં માગતા ૧૬ અસરગ્રસ્તોના પ્રતિનિધિઓ મહાનગરપાલિકા ખાતે આવ્યા હતા અને પોતે 250 વર્ષથી રહેતા આવીએ છીએ ચાર પેઢી થઈ ગઈ છે. તો બ્રિજને ઉમરા સ્મશાન ભૂમિ સુધી લઈ જઈ કારગીલ ચોક સુધી લઈ જવામાં આવે તો પ્રશ્ન હલ થઈ જશે. અમોને બળજબરીથી સ્થળ ખાલી કરવા દબાણ કરશો નહીં. તેવું જણાવ્યું હતું, જોકે આ તમામ કામગીરીમાં પાલિકાને વધુ ખર્ચ થઇ શકે છે.

surat gujarat