અમદાવાદઃ વરસાદ આવ્યો અને તકલીફો લાવ્યો

24 June, 2019 09:31 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ વરસાદ આવ્યો અને તકલીફો લાવ્યો

મુસીબતનો 'વરસાદ'

અમદાવાદ અને ગાંધીનગરમાંમાં મેઘરાજાએ પધરામણી કરી. શહેરમાં વરસાદ તો આવ્યો પણ સાથે સમસ્યાઓ લાવ્યો છે. વરસાદના કારણે પાણી ભરાયા, ભૂવા પડી ગયા તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા.

10 વૃક્ષો ધરાશાયી
અમદાવાદના ભારે વરસાદ અને પવનના કારણે ચાંદખેડાના ન્યૂ સી. જી. રોજ પર 10 વૃક્ષો ધરાશાયી થયા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. તો શહેરના વાસણા વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી ગાડી પર વૃક્ષ ધરાશાયી થયું. ગાંધીનગરમાં પણ કાંઈક આવો નજારો જોવા મળ્યો. પવનના કારણે વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા.

શરૂ થઈ ગયું ભૂવારાજ
મોડીરાત્રે પવન સાથે આવેલા વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂવા પડવા સાથે જમીન બેસી ગઈ. વરસાદ જાણે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલવા માટે જ આવ્યો હતો તેમ અનેક જગ્યાએ ભૂવા પડી ગયા, જેના કારણે જનતાને હાલાકી પડવાનું નક્કી જ છે.

AMCનો થાંભલો ભયજનક સ્થિતિમાં

વૃક્ષો તો ઠીક છે પણ અમદાવાદમાં યુનિવર્સિટી સર્કલ પાસે AMCનો થાંભલો પણ ભયજનક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. જેને જોતા એમ લાગે છે કે તે ગમે ત્યારે ધરાશાયી થશે. આ થાંભલો મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનું આગમન

ટ્રક ફસાયો
સી.ટી.એમ. નેશનલ હાઈવે નંબર-8 પર આવેલા વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક સર્વિસ રોડ પર એક મહિના પહેલા પાણીની પાઈપ લાઈન ખોદવામાં આવી હતી. જેનું યોગ્ય પુરાણ ન થતા જમીન બેસી ગઈ હતી. જેના કારણે તેમાં હેવી ટ્રેક-ટ્રેલર ફસાયું હોવાની ઘટના પણ સામે આવી છે.

ahmedabad gujarat Gujarat Rains