અમદાવાદમાં ટ્રમ્પ અને મોદીને આવકારતાં બૅનર્સ લાગ્યાં

19 February, 2020 11:04 AM IST  |  Ahmedabad

અમદાવાદમાં ટ્રમ્પ અને મોદીને આવકારતાં બૅનર્સ લાગ્યાં

વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે ભારત આવી રહ્યા છે એ માટે અમદાવાદમાં ઠેર-ઠેર પોસ્ટર લગાડવામાં આવ્યાં છે. તસવીર : પી.ટી.આઇ.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદીની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પની સાથે તેમની પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયા પણ અમદાવાદનાં મહેમાન બનશે. તેમના સ્વાગત અને સુરક્ષાને લઈને છેલ્લા ૧-૨ મહિનાથી જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ ગાંધી આશ્રમ બાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. હાલમાં શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ’નમસ્તે ટ્રમ્પ’નાં બૅનરો લગાવવામાં આવી રહ્યાં છે. બૅનરમાં ટ્રમ્પ તેમની પત્ની તેમ જ નરેન્દ્ર મોદી પણ જોવા મળી રહ્યાં છે.

રોડ-શોમાં ટ્રમ્પ-મોદીને આવકારવા ૩૫૦થી વધુ હોર્ડિંગ્સ લગાવાઈ રહ્યાં છે. આ હોર્ડિંગ્સની ડિઝાઇન અને ફોટો પીએમઓએ મંજૂર કર્યાં છે. હોર્ડિંગ્સમાં ‘બે પ્રતિભાશાળી વ્યક્તિત્વનું મિલન’, ‘બે વિરાટ લોકતાંત્રિક પરંપરા એક મંચ પર’, ‘એક ઐતિહાસિક પડાવ ભારત-અમેરિકા મૈત્રીનો’, ‘બે મહાન દેશોનું મિલન’, ‘મજબૂત નેતૃત્વ, મજબૂત લોકતંત્ર’, ‘વિશ્વની સૌથી જૂની લોકશાહી મળશે વિશ્વની સૌથી મોટી લોકશાહીને’, ‘ભારત-અમેરિકા મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર’ જેવાં સ્લોગન જોવા મળશે.

ટ્રમ્પ ગાંધી આશ્રમમાં રેંટિયો કાંતશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને વડા પ્રધાન મોદીની ૨૪ ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને મોદી ઍરપોર્ટથી રોડ-શો કરી સીધા ગાંધી આશ્રમ જવાના છે. જ્યારે પણ વિવિધ દેશના વડા ગુજરાત કે અમદાવાદની મુલાકાતે આવતા હોય છે ત્યારે ગાંધી આશ્રમ અચૂક આવે હોય છે અને રેંટિયો કાંતે છે, જેને પગલે ગાંધી આશ્રમ અને રાજ્ય સરકાર ડોનલ્ડ ટ્રમ્પની રેંટિયો કાંતવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આશ્રમમાં આવેલા હૃદયકુંજમાં ૭૩ વર્ષના ટ્રમ્પ નીચે બેસી રેંટિયો કાંતશે કે પછી તેઓ માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવી પડશે એની તૈયારીઓ કરી રહ્યા છે.

ગાંધી આશ્રમમાં ડોનલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી અંદાજે ૩૦ મિનિટ રોકાવાના છે. મહાનુભાવોની મુલાકાતને લઈ હૃદયકુંજની પાછળ એક સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેજ પર ૧૦ મિનિટ પ્રાર્થના સભા કે અન્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી અને ટ્રમ્પ આવીને સીધા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે. ત્યાર બાદ તેઓ હૃદયકુંજ જશે જ્યાંથી રિવરફ્રન્ટનો નજારો ટ્રમ્પને બતાવશે. તેમ જ મ્યુઝિયમની પણ મુલાકાત કરશે.

ahmedabad narendra modi gujarat donald trump