દિવાળીના તહેવારને કારણે ફાયરના જવાનોની રજાઓ રદ

21 October, 2019 08:07 AM IST  |  અમદાવાદ

દિવાળીના તહેવારને કારણે ફાયરના જવાનોની રજાઓ રદ

પ્રતિકાત્મક તસવીર

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ ફાયરબ્રિગેડ આગ અકસ્માતના બનાવોને લઈ સજ્જ થઈ ગયું છે. સામાન્ય દિવસો કરતાં દિવાળીના દિવસોમાં ફાયરબ્રિગેડમાં નોંધાતા આગ અકસ્માતના બનાવોમાં ૩૦ ટકાનો વધારો થાય છે.
અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનો હોય કે અમદાવાદ પોલીસના જવાનો, તેઓ તહેવારોમાં ખડેપગે હાજર રહે છે. જેના કારણે શહેરીજનો સુખચેનથી તહેવારની ઉજવણી કરી શકે છે. દિવાળીના આ તહેવારની તૈયારીઓમાં અમદાવાદ ફાયરબ્રિગેડ પણ સજ્જ થઈ ગયું છે. દિવાળીના તહેવાર દરમ્યાન ધનતેરસથી લાભપાંચમ સુધીમાં ફાયર વિભાગને ૧૫૦ આગના કૉલ્સ મળે છે. આ ૧૫૦માં ૩૦ ટકા મેજર કૉલ્સ હોય છે. સામાન્ય દિવસોમાં આગ અકસ્માતના ૧૦થી ૧૨ કૉલ્સ આવતા હોય છે તેના કરતાં દિવાળીના દિવસોમાં ફાયરબ્રિગેડમાં નોંધાતા આગ અકસ્માતના બનાવોમાં ૩૦ ટકાનો વધારો થાય છે. અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફાયરના અધિકારીઓથી માંડીને અંદાજે ૬૦૦થી વધુ જવાનો ફરજ બજાવે છે. આ આગ-અકસ્માતના બનાવોમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયરના જવાનોની રજાઓ પણ રદ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચોઃ આ છે દુનિયાના સૌથી મોંઘા હીરા, કિંમત જાણીને ભલભલાના છૂટી જશે પસીના

મહત્ત્વનું છે કે અમદાવાદમાં રાયપુર, દિલ્હી દરવાજા, કાલુપુર, બાપુનગર, સરદારનગર, બોપલ, વાડજ જેવા વિસ્તારમાં ફટાકડાની મોટી બજાર છે. ભૂતકાળમાં દિલ્હી દરવાજા અને બાપુનગર વિસ્તારમાં ફટાકડા બજારમાં આગ-અકસ્માતના મોટા બનાવ નોંધાયા છે ત્યારે આવી આગ અકસ્માતની ઘટનાઓને લઈ સજ્જ રહેવા ફાયર વિભાગને સૂચનાઓ અપાઈ છે.

ahmedabad gujarat