અમદાવાદમાં બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ માર્યો અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ

07 July, 2019 10:51 AM IST  |  અમદાવાદ

અમદાવાદમાં બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ માર્યો અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ

અમદાવાદમાં બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ માર્યો અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ

ગુજરાતના અમદાવાદમાં ગઈ કાલે બનેલી એક હિંમતભરી ઘટનામાં ફાઇનૅન્સ કંપનીમાં લૂંટ કરવા આવેલા લૂંટારાને બ્રાન્ચ મૅનેજરે છુટ્ટો ગ્લાસ મારીને પાડી દઈ કંપનીમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. નીચે પડી ગયેલા આરોપીએ ફાય‌રિંગ કરવા છતાં કંપનીના અન્ય કર્મચારીઓએ હિંમત રાખીને તેને દબોચી લઈને પોલીસને હવાલે કર્યો હતો.

ઘાટલોડિયામાં ગોલ્ડ પર લોન આપતી ફાઇનૅન્સ કંપનીમાં લૂંટના ઇરાદે ગઈ કાલે બપોરે એક યુવાન ટૂ-વ્હીલર પર આવ્યો હતો. માથે હેલ્મેટ અને મોં પર રૂમાલ બાંધીને કંપનીની અંદર આવેલા યુવાને કાઉન્ટર પર બેઠેલા કર્મચારીઓને પિસ્તોલ બતાવી તેની પાસે રહેલા થેલામાં પૈસા મૂકવા કહ્યું હતું. ગભરાઈ ગયેલા કર્મચારીએ થેલામાં પૈસા મૂક્યા હતા એ દરમ્યાન વૉશરૂમ ગયેલા કંપનીના બ્રાન્ચના મૅનેજર આશિષ રાજપરા વૉશરૂમમાંથી બહાર નીકળ્યા હતા. તેઓએ પરિસ્થિતિ પામી જઈને હિંમત કરીને લૂંટારાના મોઢા પર પાણીનો કાચનો ગ્લાસ માર્યો હતો જેના કારણે લૂંટારો બૅલૅન્સ ચૂક્યો હતો અને પડી ગયો હતો જેથી અન્ય કર્મચારીઓ પણ તેને પકડવા દોડ્યા હતા. આ દરમ્યાન ઝપાઝપી પણ થઈ હતી અને લૂંટારાએ એક રાઉન્ડ ફાયર પણ કર્યું હતું. જોકે કોઈને ઈજા થઈ નહોતી અને કર્મચારીઓએ તેને પકડીને પોલીસ બોલાવીને સોંપી દીધો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદની સેન્ટ મેરી સ્કૂલનો નિયમ,વિદ્યાર્થીઓને હેલ્મેટ વગર પ્રવેશ નહીં

ઘાટલોડિયા પોલીસે મીડિયાને કહ્યું હતું કે ‘ચિરાગ ભાવસાર નામનો આરોપી ગ્રા‌ફિક ડિઝાઇનિંગનું કામ કરે છે. જુગારમાં દેવું થઈ ગયું હતું એના કારણે દેવું ભરવા માટે લૂંટ કરવાનો પ્લાન બનાવી અહીં આવ્યો હતો. મૅનેજરે હિંમત કરી ગ્લાસ મોઢા પર મારી પિસ્તોલવાળો હાથ પકડી લીધો હતો. તે દેશી બનાવટની પિસ્તોલ લઈને કંપનીમાં આવ્યો હતો. આ પિસ્તોલ તે રાજસ્થાન ગયો હતો ત્યાંથી લાવ્યો હતો. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.’

ahmedabad gujarat