અમદાવાદ : ટ્રમ્પદર્શન કરવાં હોય તો ફૉર્મ ભરો...

18 February, 2020 07:55 AM IST  |  Ahmedabad

અમદાવાદ : ટ્રમ્પદર્શન કરવાં હોય તો ફૉર્મ ભરો...

અમદાવાદમાં આવેલા નીલકંઠવર્ણી ઘનશ્યામનગરના નોટિસ-બોર્ડ પર લગાવેલી સૂચના.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સોસાયટીની બહારથી ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને જોવાની ઇચ્છા હોય તો ફૉર્મ ભરવાની જાહેરાત અમદાવાદના એક ફ્લૅટમાં કરવામાં આવતાં આ ફ્લૅટમાં રહેતા ૪૦૦થી વધુ રહીશોએ ફૉર્મ ભરીને ટ્રમ્પ-મોદીને નજીકથી જોવા ઉત્કંઠા બતાવી છે એટલું જ નહીં, ડોનલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રૂટ પરથી પસાર થશે એ બાવીસ કિલોમીટરના માર્ગ પર ૫૦ હજારથી વધુ નાગરિકો તેમનું સ્વાગત કરવા ઊભા રહેશે.

ડોનલ્ડ ટ્રમ્પ પ્રથમ વાર અમદાવાદ આવી રહ્યા છે અને તેઓ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. આશ્રમ સુધી તેઓ રોડ-શો કરીને જવાના છે ત્યારે આ રોડ-શોના રૂટમાં સાબરમતી ગાંધી આશ્રમ નજીક આરટીઓ સર્કલ પાસે આવેલા નીલકંઠવર્ણી ઘનશ્યામનગરના નોટિસ બોર્ડ પર ફ્લૅટના રહીશો માટે નોટિસ મૂકવામાં આવી છે, જેમાં લખ્યું છે કે ‘ભારતના વડા પ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિનો આપણે ત્યાંથી રોડ-શો હોવાથી તેમના સ્વાગત માટે જે કોઈ ભાઈ–બહેનને રોડ-શો સોસાયટીની બહારથી જોવાની ઇચ્છા હોય તે લોકોએ સોસાયટીની ઑફિસમાં ૧૮-૦૨-૨૦૨૦ સુધી ઑફિસ સમય દરમ્યાન પોતાનું નામ, આધાર કાર્ડની ઝેરોક્સ અને પોતાના મોબાઇલ-નંબર જમા કરાવી જવા. ઉપરોક્ત માહિતી પોલીસ-કમિશનરના આદેશથી લખવામાં આવી છે તેની સામે તમને પોલીસ-કમિશનર તરફથી આઇ કાર્ડ આપવામાં આવશે તે જ વ્યક્તિ સોસાયટીની બહાર તેમના સ્વાગત માટે ઊભી રહી શકશે.’

ફ્લૅટના નોટિસ બોર્ડ પર લખાયેલી આ સૂચના વિશે ફ્લૅટના સેક્રેટરી ભરત શાહને પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ફ્લૅટમાં કુલ ૪૨૯ ફ્લૅટ છે અને એમાં અંદાજે ૨૫૦૦ નાગરિકો રહે છે. આ સૂચના લખ્યા બાદ અંદાજે ૪૦૦થી વધુ નાગરિકોની અરજી આવી છે. પોલીસ તરફથી અને અમારા વિસ્તારના કૉર્પોરેટર તરફથી સૂચના આપવામાં આવી હતી. અમારા ફ્લૅટ પાસેથી ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો રોડ-શો નીકળવાનો છે ત્યારે ફ્લૅટના નાગરિકો તેમને બહારથી જોઈ શકે એ માટે ઉત્સાહી છે.’

અમદાવાદનાં મેયર બિજલ પટેલે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી અને ત્યાંથી ઍરપોર્ટ થઈ ઇન્દિરા બ્રિજ થઈને મોટેરા સુધીના બાવીસ કિલોમીટર રૂટ પર ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, અમદાવાદના નાગરિકો ઉપરાંત પર પ્રાંતિય નાગરિકો ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે રૂટ પર ઊમટશે. આ ઉપરાંત સમગ્ર રૂટ પર દેશનાં વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે અને એ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝાંકી મહેમાનને કરાવાશે. સમગ્ર રૂટ પર ૫૦ હજારથી વધુ નાગરિકો ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્રભાઈ મોદીને આવકારશે અને સ્વાગત કરશે.’

donald trump narendra modi gujarat ahmedabad