લગ્નપ્રસંગમાં પહેરવા માટે જરૂરિયાતમંદ બહેનોને સાડીઓ મળે છે બિલકુલ ફ્રી

05 February, 2020 08:17 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

લગ્નપ્રસંગમાં પહેરવા માટે જરૂરિયાતમંદ બહેનોને સાડીઓ મળે છે બિલકુલ ફ્રી

સાડી લાઇબ્રેરીમાં રૅકમાં મૂકવામાં આવેલી સાડીઓ.

લગ્નપ્રસંગે પહેરવા માટે ૨૦ હજાર રૂપિયા સુધીની પ્યૉર સિલ્ક, ડિઝાઇનર, પૅચવર્કવાળી સાડીઓ મળે છે બિલકુલ ફ્રી : હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે: ત્યારે પ્રસંગમાં પહેરવા માટે જરૂરિયાતમંદ બહેનો સદાવ્રતમાંથી તેમની પસંદગીની સાડીઓનું ઍડ્વાન્સ બુકિંગ કરાવે છે: સદાવ્રતની સાડી માટે એક પણ રૂપિયો ચાર્જ કરવામાં આવતો નથી, માત્ર ડ્રાયક્લીન કરીને સાડી પાછી આપવાની હોય છે.

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને એમાં મહિલાઓ લગ્નપ્રસંગમાં શોભે તેવી એક-એકથી ચડિયાતી સાડીઓ પહેરીને તૈયાર થઈને લગ્નને માણી રહી છે ત્યારે અમદાવાદમાં એક અનોખું સાડી કલેક્શન આવેલું છે, જેમાંથી લગ્નપ્રસંગે પહેરવા માટે જરૂરિયાતમંદ બહેનોને ૧ હજારથી લઈને ૨૦ હજાર રૂપિયાની પ્યૉર સિલ્ક, ડિઝાઇનર, પૅચવર્કવાળી સાડીઓ બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં આવેલી ગ્રામશ્રી સંસ્થા દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આ સંસ્થાના રુદ્ર સેન્ટરમાં સાડી માટેનું કલેક્શન આવેલું છે. આજકાલ આ સાડી કલેક્શનમાં બહેનોની ચહલપહલ વધી છે. સાડીના કલેક્શનમાં બહેનો સાડી પસંદ કરવા આવે છે. હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે પ્રસંગમાં પહેરવા માટે જરૂરિયાતમંદ બહેનો કલેક્શનમાંથી તેમની પસંદગીની સાડીઓનું ઍડ્વાન્સ બુકિંગ કરાવે છે. પ્રસંગ માટે પહેરવા લઈ જવામાં આવતી સાડીનો એક પણ રૂપિયો ચાર્જ કરવામાં આવતો નથી. હા, આ બહેનો જ્યારે સાડી પાછી આપે ત્યારે બીજી બહેનો એ સાડી પહેરી શકે એ માટે ડ્રાયક્લીન કરીને સાડી પાછી આપવાની હોય છે.

ગ્રામ શ્રી સંસ્થાના કો-ઑર્ડિનેટર નીતા જાદવે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં દસેક વર્ષથી આ સાડીઓનું કલેક્શન ચાલે છે. સમાજમાં એવી બહેનો છે કે જે મોંઘી સાડીઓ ખરીદી શકતી નથી અને બીજી તરફ એવી મહિલાઓ કે જે એક, બે કે ત્રણ વખત સાડી પહેરીને તેમના ઘરે મૂકી રાખે છે, પછી એનો ઉપયોગ કરતી નથી. અમારા ટ્રસ્ટીઓએ આ અંગે વિચાર કર્યો કે આવી સાડીઓ કબાટમાં પડી રહે છે એના કરતાં જરૂરિયાતમંદ બહેનોને એ પહેરવાના કામમાં આવે તો સારું. આ વિચાર વહેતો મૂક્યો અને એવી મહિલાઓ પાસેથી સારી કન્ડિશનની સાડીઓ ભેટ સ્વરૂપે સ્વીકારવાનું શરૂ થયું. મહિલાઓ પાસેથી એક પછી એક સાડીઓ આવતી ગઈ અને એમાંથી સાડીના કલેક્શનની શરૂઆત થઈ. વર્ષે દહાડે ઍવરેજ ૮૦થી ૧૦૦ જેટલી સાડીઓ આવે છે. અત્યાર સુધીમાં આશરે એક હજાર જેટલી સાડીઓ કલેક્શનમાં આવી હશે. અત્યારે બીજી ૪૦૦ સાડીઓ આવી છે. જરૂરિયાતમંદ બહેનો તેમને ત્યાં આવતા લગ્નપ્રસંગ ઉપરાંત દિવાળી પર્વ, નવરાત્રિ, ઉત્તરાયણ, જન્માષ્ટમી, રક્ષાબંધન સહિતના પ્રસંગોમાં તેમ જ વાર- તહેવારે આ સાડીઓ પહેરવા લઈ જાય છે.’

સાડીઓની વિવિધતા અને ઍડવાન્સ બુકિંગની વાત કરતાં નીતા જાદવે કહ્યું હતું કે ‘૧ હજાર રૂપિયાથી લઈને ૨૦ હજાર રૂપિયાની સાડીઓ અમારી પાસે આવી છે અને બહેનો એને પહેરવા લઈ જાય છે. પ્યૉર સિલ્કની સાડી, ભરત ભરેલી, જરીકામવાળી, પૅચવર્કવાળી સાડીઓ સહિતની સાડીઓ અહીં દાનમાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે એક હજારથી વધુ બહેનોએ આ સાડીના કલેક્શનનો ઉપયોગ કર્યો છે. લગ્નપ્રસંગે અને દિવાળીના તહેવારમાં બહેનો ૧૫ દિવસ પહેલાં તેમની પસંદગીની સાડીનું ઍડ્વાન્સ બુકિંગ કરાવે છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘લાઇબ્રેરીમાંથી સાડી લઈ જતી બહેનો પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. હા, સાડી લઈ જતી બહેનોનું રજિસ્ટર રાખીએ છીએ. બહેનોના નામ-સરનામા સાથેનું આઇડી પ્રૂફ આપે તે બહેનને સાડી આપવામાં આવે છે. કેવા કલરની સાડી લઈ ગયાં એ નોંધીએ છીએ. અમે મહિને–બે મહિને સાડીઓનું ચેકિંગ કરીએ છીએ. સાડી પહેરવા જેવી ન હોય તો એ સાડી બહાર કાઢી દઈએ છીએ.’

અમદાવાદના ચંદ્રભાગા વિસ્તારના પરિક્ષિતનગરમાં રહેતાં વૈશાલી પરમારે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘મારા મોટાબાપુના દીકરાનાં લગ્ન વખતે હું લાઇબ્રેરીમાંથી સાડી લઈ ગઈ હતી. અત્યાર સુધીમાં હું બારેક વખત જુદા-જુદા પ્રસંગોમાં પહેરવા માટે લાઇબ્રેરીમાંથી સાડી લઈ ગઈ છું. પ્રસંગોમાં અમે સાડી ખરીદીએ તો પૈસા આપવા પડે, પણ અહીંથી ભારે સાડીઓ મળે છે એટલે અમારે પ્રસંગ સચવાઈ જાય છે અને બજારમાંથી નવી સાડી ખરીદવી પડતી નથી.’

અમદાવાદના વાડજના ટેકરા વિસ્તારમાં રહેતાં રંજન પરમાર, વાડજમાં રહેતાં અરુણા ચૌહાણ સહિતનાં બહેનોએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘આ સાડી લાઇબ્રેરી અમારી જેવી બહેનો માટે આશીર્વાદરૂપ છે. અમે તો કેટલીયે વાર સાડી લાઇબ્રેરીમાંથી સાડી લઈ ગયાં છીએ. લગ્નપ્રસંગે ગમતી સાડીઓ લેવા માટે પહેલાંથી જ આવીને કહી દઈએ છીએ. પ્રસંગમાં એક બે દિવસ સાડીઓ પહેરવાની હોય છે તો પૈસા શું કામ બગાડવાના? આમ પણ પૈસાની ખેંચ હોય છે અને અહીંથી સારી સાડીઓ મળી રહે છે. ખાલી ખોટો ખર્ચ કરવો એના કરતાં અહીંથી સાડી લઈ જવી સારી. અહીંથી સાડી લઈ જઈએ તો સાડી ખરીદીના પૈસા અમારે બીજા કામમાં આવે છે. ખરેખર આ સેવા અમારા જેવી બહેનો માટે સારી છે.’

ahmedabad gujarat shailesh nayak