31 December, 2022 10:21 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત(Gujarat)ના નવસારી(Navsari)માં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં શનિવારે સવારે બસ અને એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત અમદાવાદ-મુંબઈ હાઈવે પર થયો હતો. ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને સુરત રીફર કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, નવસારી નેશનલ હાઈવે-48 પર અકસ્માતનો ભોગ બનેલી બસ સુરતમાં એક કાર્યક્રમમાંથી આવી રહી હતી. જાણવા મળ્યા મુજબ સવારે વલસાડ તરફથી આવી રહેલી ટોયોટા ફોર્ચ્યુનરના ચાલકને અચાનક હાર્ટ એટેક આવતા તેણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. આ પછી SUV ડિવાઈડર ઓળંગીને સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી.
આ ઘટનામાં કારમાં સવાર તમામ 8 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે બસમાં સવાર એક વ્યક્તિનું મોત પણ સામે આવ્યું છે. બસમાં સવાર લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:દીકરાના અકસ્માત વિશે સાંભળતા પોલીસની ગાડીમાં જ હોસ્પિટલ પહોંચી ઋષભ પંતની માતા
ગૃહમંત્રી શાહે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો
ગુજરાતની આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું, "નવસારીમાં થયેલો અકસ્માત આઘાતજનક છે. અકસ્માતમાં જેમણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યું છે. અમે તેઓના ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ."