13 August, 2024 10:30 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
લાંચ લેતાં ઝડપાયેલા ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર અનિલકુમાર મારુ
ગુજરાતમાં સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટમાં તાજેતરમાં બનેલી અગ્નિકાંડની જઘન્ય ઘટના બાદ પણ રાજકોટ ફાયર સ્ટેશનના અધિકારીઓ જાણે સુધરવાનું નામ ન લેતા હોવાની ઘટના બની છે, જેમાં રાજકોટના ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર અનિલકુમાર મારુને ૧.૮૦ લાખ રૂપિયાની લાંચ લેતાં તેમની ઑફિસમાંથી ગઈ કાલે રંગે હાથ ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB)ના સ્ટાફે ઝડપી લીધા હતા.
એક ફરિયાદીએ ACBને ફરિયાદ કરી હતી કે રાજકોટમાં એક બિલ્ડિંમાં પોતે કરેલા ફાયર સેફ્ટી માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવા ગયા ત્યારે તેમની પાસે ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર અનિલકુમાર મારુએ ૩ લાખ રૂપિયાની લાંચ માગી હતી. જોકે એ સમયે ફરિયાદીએ ૧.૨૦ લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના ૧.૮૦ લાખ રૂપિયા ચાર-પાંચ દિવસમાં આપી જવાનું કહ્યું હતું. એ લાંચની રકમ ફરિયાદી આપવા માગતો નહોતો જેથી તેણે જામનગર ACBનો સંપર્ક કર્યો હતો. જામનગર ACBએ રાજકોટ ACBના સુપરવિઝનમાં છટકું ગોઠવીને ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર અનિલકુમાર મારુને લાંચની રકમ સાથે પકડી લીધા હતા.