સરદાર જયંતિએ PMના આગમન સમયે આદિવાસીઓએ આપ્યું કેવડિયા બંધનું એલાન

29 October, 2019 05:45 PM IST  |  અમદાવાદ

સરદાર જયંતિએ PMના આગમન સમયે આદિવાસીઓએ આપ્યું કેવડિયા બંધનું એલાન

સ્ટેચ્યૂ ઑફ યુનિટી

રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર પટેલની જન્મ જયંતિના દિવસે વડાપ્રધાન મોદી કેવડિયા આવી રહ્યા છે. 31 ઑક્ટોબર 2018ના દિવસે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ જ સમયે આદિવાસી સમાજે પોતાના હકની માંગણીને લઈને કેવડિયા બંધનું એલાન આપ્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની સામે રાષ્ટ્રીય આફત દિવસની ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે. ઉમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાં 31 ઑક્ટોબરે વિવિધ સંગઠનો અને સમાજના આગેવાનોને નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

અહિંસક આંદોલન કરવામાં આવશે
સ્ટેચ્યૂ ઑફ યુનિટીની સામે આદિવાસી સમાજની સંસ્કૃતિ, ઓળખ, જમીનો, જંગલો, માનવતા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે આદિવાસી સમાજે 31 ઑક્ટોબરે કેવડિયા વિસ્તાર બંધનું એલાન આપ્યું છે. સમગ્ર આદિવસી પંથક સ્વયંભૂ બંધ પાળશે એવું આદિવાસી અગ્રણી પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું. સાથે તેમણે એમ પણ કહ્યું કે, કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં વિકાસના નામે સ્થાનિક લોકોને હટાવીને બહારના લોકાને લાવવામાં આવી રહ્યા છે. તેનો અમારો વિરોધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટને લઇને જે બાંધકામ કરાઇ રહ્યું છે, જેને લઇને આદિવાસીઓને નુકસાન થઇ રહ્યું છે, તેનો અમારો વિરોધ થઇ રહ્યો છે. ભાજપ કેવડિયાને કશ્મીર સમજવાની ભૂલ ના કરે, જરૂર પડશે તો દેશના 12.5 કરોડ આદિવાસીઓ કેવડિયા વિસ્તારને બચાવવા રસ્તાઓ પર આવશે.

આ પણ જુઓઃ નવા વર્ષે ભગવાન સ્વામિનારાયણને ધરાવાયો ભવ્ય અન્નકૂટ, જુઓ દિવ્ય તસવીરો

31 ઑક્ટોબરે આવશે વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસના પ્રવાસ દરમિયાન સ્ટેચ્યૂ ઑફ યુનિટી આસપાસ બનેલા અલગ અલગ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસના મોકા પર આર્મી, નેવી અને એરફોર્સ સહિતના સુરક્ષા દળોની એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયામાં આયોજિત એકતા ઉત્સવમાં વડાપ્રધાન મોદીની સાથે ભાજપ શાસિત અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી અને વીવીઆઈપી લોકો પણ હાજર રહેશે.

sardar vallabhbhai patel gujarat narendra modi