કચ્છમાં ઘૂસ્યા છે તીડોનાં ઝૂંડ : કન્ટ્રોલ કરવા પગલાં

11 July, 2020 03:41 PM IST  |  Rajkot | Agencies

કચ્છમાં ઘૂસ્યા છે તીડોનાં ઝૂંડ : કન્ટ્રોલ કરવા પગલાં

તીડ

વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આફત બાદ કોરોનાની આપત્તિ સામે ઝઝૂમતા ગુજરાત પર વધુ એક કુદરતી આફત આવી છે. સાઇક્લોનિક અસરથી પવનની દિશા બદલાતા બે દિવસ પહેલાં પાકિસ્તાનની બોર્ડર પરથી તીડનાં ઝૂંડ કચ્છમાં ઘૂસ્યા છે આ તીડને કન્ટ્રોલ કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. દરમ્યાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ તીડનાં ટોળાનો ખતરો તોળાઈ રહ્યો છે. દોઢેક મહિના પહેલાં સૌરાષ્ટ્રના હળવદ, મોરબી, વલ્લભીપુર સહિતના એરિયામાં અને કચ્છ-ઉત્તર ગુજરાતમાં તીડ જોવા મળ્યા હતા પરંતુ ખેડૂતો અને ખેતીવાડી વિભાગના પ્રયાસોથી તીડ રાજસ્થાન તરફ વળી ગયા હતા.

છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં તીડનો આતંક જોવા મળ્યો નહોતો પરંતુ પાકિસ્તાન બોર્ડર પરથી ગત તા. ૭મીએ તીડનાં ઝૂંડ કચ્છના લખપત વિસ્તારમાં ઘૂસ્યા છે. લખપત તાલુકાના લાખાપર અને શિયોત ગામની સીમમાં હાલ તીડનાં ઝૂંડનો મુકામ છે. ચોમાસાની સીઝનની શરૂઆત હોવાથી હાલ ઊંચી મોલાત ન હોવાથી પાકને મોટું નુકસાન નથી પણ તીડનાં ઝૂંડ અન્ય વિસ્તારો તરફ વળે તો નુકસાનનો ભય છે. તીડ નિયંત્રણ માટે હાલ ફોર વીલર સ્પ્રેયર મારફત ખાસ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

gujarat kutch rajkot Gujarat Rains