સુત્રાપાડાના પ્રાંચલીમાં આભ ફાટ્યું : ત્રણ કલાકમાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો

28 September, 2019 08:41 AM IST  |  ગુજરાત

સુત્રાપાડાના પ્રાંચલીમાં આભ ફાટ્યું : ત્રણ કલાકમાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો

ગોંડલમાં જળબંબાકાર

રાજ્યનાં ૨૦૪ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૯૧.૩૧ ટકા જેટલું પાણી, કચ્છમાં સીઝનનો ૧૪૮.૧૦ ટકા વરસાદ, રાજ્યમાં સરેરાશ ૧૨૯.૪૩ ટકા વરસાદ વરસ્યો, ભાદર ડૅમ ત્રીજી વખત ઓવરફ્લો

ગાંધીનગર : (જી.એન.એસ.) સુત્રાપાડાના તાલુકામાં પ્રાંચલી ગામથી મોરડિયા સુધીમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ ૩ કલાકમાં ૯ ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો, જેને લઈ શહેરના માર્ગો નદીમાં પલટાઈ ગયા હતા અને વાડી વિસ્તારમાં જળબંબાકાર થઈ ગયું હતું અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી થઈ જતાં લોકોએ પણ આવું દૃશ્ય પ્રથમ વખત જોતાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાચલીના રસ્તાઓ પર વરસાદના પગલે નદી વહેતી થઈ હોય એવું દૃશ્ય સર્જાયું હતું. તેમ જ ઉનામાં ગઈ રાત્રે બેથી ચાર વાગ્યા સુધીમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. ગીર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજા યથાવત છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તેમ જ ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા ગામ સંપર્કવિહોણું બન્યું છે.
શિહોરમાં પણ વહેલી સવારે ૪ વાગ્યાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું છે. વીજળીના કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મવાળા ગીરનો સિંગોડા ડૅમ ઓવરફ્લો થતાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમ જ કોડીનાર બ્રિજ પર પાણી ફરી વળ્યું છે. આથી પોલીસ દ્વારા વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો.
તેમ જ ગોંડલ પંથકમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા ગામ સંપર્કવિહોણું બન્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા જવાના પુલ પર પાણી ફરી વળ્યાં છે. ચોમાસામાં વારંવાર સંપર્કવિહોણું બને છે. જીવના જોખમે ગામના લોકો પુલ ઓળંગી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડૅમ ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડૅમમાં પાણીની આવક ચાલુ છે. ડૅમના ૬ દરવાજા અઢી ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. ડૅમના નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરવામાં આવ્યા છે. ડૅમની નીચેનાં ૧૭ જેટલાં ગામોને અલર્ટ કરાયાં છે. નદીના પટમાં નહીં જવા તંત્રએ સૂચના આપી છે.

નવરાત્રિ બગડશે, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
આ વખતે મેઘરાજા પણ નવરાત્રિમાં તમારો સાથ આપશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૪ દિવસમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે હજી ચોમાસું પૂર્ણ થવાના સંકેત નથી. હવામાન વિભાગે રાજ્યભરમાં ૪ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે. અડધી નવરાત્રિ વરસાદમાં ધોવાઈ જશે એવી પણ આગાહી છે. ૧ ઑક્ટોબર સુધી નવરાત્રિમાં વરસાદ રહેશે. ૩ ઑક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.

gujarat