કચ્છમાં ધરતીકંપના આંચકા: 12 કલાકમાં 9, 24 કલાકમાં 14

16 June, 2020 07:26 AM IST  |  Rajkot | Rashmin Shah

કચ્છમાં ધરતીકંપના આંચકા: 12 કલાકમાં 9, 24 કલાકમાં 14

ફાઈલ તસવીર

કચ્છ સહિત ગુજરાતમાં રવિવારે રાતથી શરૂ થયેલા આંચકાઓની હારમાળા ગઈ કાલે પણ અકબંધ રહી હતી અને ગઈ કાલે દિવસ દરમ્યાન ૧૨ કલાકમાં ૯ આંચકા આવ્યા હતા. ગઈ કાલના આંચકાઓમાં સૌથી મોટા રિક્ટર સ્કેલનો આંચકો બપોરે ૧૨.પ૭ વાગ્યે આવ્યો હતો. ૪.૬ રિક્ટર સ્કેલના એ આંચકા પછી બપોરે ૩.પ૬ વાગ્યે ૪.૦૧ રિક્ટર સ્કેલનો આંચકો આવ્યો હતો. આ સિવાય દિવસ દરમ્યાન ૩ રિક્ટર સ્કેલનો એક અને ૧ રિક્ટર સ્કેલના પાંચ તથા બે રિક્ટર સ્કેલનો એક આંચકો આવ્યો હતો. આવેલા આ તમામેતમામ આંચકાઓ વાગડ ફૉલ્ટલાઇન પરના હતા. ગઈ કાલે આવેલા પાંચમાંથી ચાર આંચકા પણ આ જ ફૉલ્ટલાઇન પરથી ડેવલપ થયા હોવાથી કચ્છમાં ધરતીકંપનો ફફડાટ વધારે આકરો બન્યો છે. જો કફોડી હાલત કોઈ હોય તો એ કે ધરતીકંપ અને વરસાદ બન્ને સાથે ચાલી રહ્યાં છે. લોકો બહાર નીકળીને રહેવા પણ તૈયાર છે, પણ વરસાદને કારણે એવું થઈ શકતું નથી એટલે મૂંઝવણમાં વધારો થઈ રહ્યો છે. આ મુશ્કેલીની સાથોસાથ એક મુશ્કેલી ક્વૉરન્ટીન કરેલા લોકોની પણ છે.

કોરોનાને કારણે બહારથી ટ્રાવેલિંગ કરીને આવેલા લોકોને ગુજરાતમાં હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવે છે. હોમ-ક્વૉરન્ટીન થયેલા અને ફ્લૅટમાં રહેતા લોકોમાં ધરતીકંપને કારણે વધારે ગભરાટ પ્રસરી ગયો છે. સોસાયટીઓને પતરાં મારીને લૉક કરવામાં આવી છે તો આ પ્રકારના અપાર્ટમેન્ટમાં પણ વધારે લોકો ક્વૉરન્ટીન થયા હોય તો એમાં પણ પતરાં મારીને લૉક કરવામાં આવ્યા છે. ધરતીકંપને કારણે એ લોકો બહાર નથી નીકળી શકતા અને ત્યાં હાજર રહેલા અધિકારીઓ પણ ધરતીકંપ સમયે સલામત જગ્યાએ ખસી જાય છે. આવી સિચુએશનમાં રહેવું કેવી રીતે એ મૂંઝવણ જેમ લોકોને છે એમ જ ગુજરાત સરકારને પણ છે કે આવી પરિસ્થિતિમાં ક્વૉરન્ટીનનો નિયમ તૂટે તો કેવાં પગલાં લેવાં.

ગઈ કાલે બપોરે આવેલા ૪.૬ રિક્ટર સ્કેલનો આંચકો છેક રાજકોટ સુધી અનુભવાયો હતો, તો રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને તાલાળા જિલ્લામાં પણ એનો અનુભવ થયો હતો. જોકે કોઈ જગ્યાએ જાનમાલનું નુકસાન થયું નહોતું.

ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, કચ્છ અને મોરબીમાં કન્ટ્રોલ-રૂમ શરૂ કરવામાં આવ્યા છે, જે નવી સૂચના ન મળે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.

gujarat rajkot Rashmin Shah earthquake