ગુજરાતમાં કોરોનાના વધતા કેસો માટે તબલિગી જમાત જવાબદાર: સરકાર

06 April, 2020 01:30 PM IST  |  Gandhinagar | Agencies

ગુજરાતમાં કોરોનાના વધતા કેસો માટે તબલિગી જમાત જવાબદાર: સરકાર

જમાત

કોરોના મહામારીમાં ગુજરાતમાં લોકોની બેદરકારી અને લૉકડાઉનના ઉલ્લંઘનથી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદ હોટસ્પોટમાંથી હવે એનાથી પણ આગળના તબક્કામાં પહોંચી ગયું છે. દરમ્યાન ગુજરાત સરકારે પણ કેન્દ્રની જેમ આજે પહેલી વાર એવું જાહેર કર્યું કે ગુજરાતમાં જે કેસો વધ્યા છે એ તબલિગી જમાત સાથે સીધી રીતે જોડાયેલા છે. ખાસ કરીને અમદાવાદમાં જે પૉઝિટિવ કેસો બહાર આવ્યા તેના દરદીઓએ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં યોજાયેલા મર્કઝ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ત્યાંથી આવ્યા બાદ તેમનામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં હતા અને તેમની સાથે સંપર્કમાં આવનારાઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

આરોગ્ય વિભાગના અગ્રસચીવ જયંતી રવિએ પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે અમદાવાદના તમામ દરદી દિલ્હી મર્કઝથી આવેલા લોકોના સંપર્કમાં આવ્યા હતા. મર્કઝથી આવેલા તમામ લોકોનું ચેકિંગ હાલ ચાલુ છે. પૉઝિટિવ ન હોય તો પણ તેમને આઇસોલેશનમાં રખાશે. જયંતી રવિએ કહ્યું કે કુલ ૩૩ લોકો વિદેશથી આવ્યા. વિદેશથી આવેલ ૧૭ લોકોના કોરોના કેસ પૉઝિટિવ આવ્યા છે. ત્યારે ૭૨ લોકોને લોકલ ટ્રાન્સમિશનથી કોરોના પૉઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

દરમ્યાનમાં, તબલિગી જમાતમાં ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઈ છે એમ કહીને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે નિજામુદ્દીન તબલિગી જમાતની મર્કઝમાં ગુજરાતથી ગયેલા વધુ સાત લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. ગઈ કાલ સુધી ૧૦૩ લોકોની ઓળખ કરવામાં આવી હતી જેમાં એકનું મૃત્યુ થયું છે જ્યારે એકનો કોરોના પૉઝિટિવ ટેસ્ટ આવી છે. સાત નવા લોકો સાથે તબલિગી જમાતની મર્કઝમાં ગયેલા કુલ ૧૧૦ લોકોની ઓળખ થઈ છે. નવા સાત લોકો નવસારીના હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે લૉકડાઉન બાદ નિજામુદ્દીન તબલિગીથી ગુજરાત પરત ફરેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા ૧૦ લોકો વિરુદ્ધ ચાર ગુના નોંધવામાં આવ્યા છે જેમાં બોટાદમાં બે અને નવસારી-ભાવનગરમાં ૧-૧ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

gujarat gandhinagar coronavirus covid19