24 June, 2025 09:11 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
જીત બાદ સમર્થકો સાથે ગોપાલ ઇટાલિયા. (યલો શર્ટમાં વચ્ચે)
ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીનાં ગઈ કાલે આવેલાં રિઝલ્ટમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટી (AAP)ના ગોપાલ ઇટાલિયા અને કડીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજેન્દ્ર ચાવડા જીત્યા હતા. આ બેઠકો પર કૉન્ગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. વિસાવદરની જીત બાદ AAPના કાર્યકરોએ ‘જય ગોપાલ’ના નારા લગાવવાની સાથે-સાથે આશ્ચર્યજનક રીતે ગુજરાતની BJP સરકારના ભૂતપૂર્વ પ્રધાન જવાહર ચાવડાના પણ નારા ‘જવાહર ચાવડા ઝિંદાબાદ’ બોલતો વિડિયો વાઇરલ થતાં અચરજ ફેલાયું હતું.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી રસપ્રદ બની રહી હતી. આ બેઠક પર BJPના કિરીટ પટેલ અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે જબરદસ્ત ચૂંટણીજંગ જામ્યો હતો. જોકે પરિણામ જાહેર થતાં AAPના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. ઇલેક્શન કમિશનની વેબસાઇટ મુજબ ગોપાલ ઇટાલિયાને ૭૫,૯૪૨ મત મળ્યા હતા, જ્યારે તેમના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી BJPના કિરીટ પટેલને ૫૮,૩૮૮ મત મળ્યા હતા જેના કારણે ગોપાલ ઇટાલિયાનો ૧૭,૫૫૪ મતોથી વિજય થયો હતો.
કડીના વિજેતા BJPના રાજેન્દ્રકુમાર ચાવડા.
કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં BJPના રાજેન્દ્રકુમાર ચાવડાને ૯૯,૭૪૨ મતો મળ્યા હતા. તેમના સૌથી નજીકના પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસના રમેશ ચાવડાને ૬૦,૨૯૦ મતો મળ્યા હતા જેના પગલે BJPના રાજેન્દ્રકુમાર ચાવડાનો ૩૯,૪૫૨ મતોથી વિજય થયો હતો.
જીત બાદ વિસાવદરમાં AAPએ રોડ-શો યોજ્યો હતો. વિસાવદર બેઠક જીત્યા બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ‘જે પરિણામ આવ્યું છે એમાં લોકોની જીત થઈ છે. આ જીત બદલ વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના તમામ ખેડૂતો, વેપારીઓ, રત્નકલાકારો, યુવાનો, મહિલાઓ સહિત સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા, સપના અને સંઘર્ષની જીત થઈ છે.’
કડી વિધાસભાની બેઠક જીત્યા બાદ BJPના રાજેન્દ્રકુમાર ચાવડાએ કહ્યું હતું કે ‘આ જીત કડી સંગઠન અને કડીના મતદારોની જીત છે. BJPની કાર્યપદ્ધતિને લોકોએ સ્વીકારીને ખોબલે ખોબલે મત આપ્યા છે.’