અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓના બેહાલ, ‘ગો ફર્સ્ટ એર’ની ફ્લાઇટનો જબરજસ્ત ગોટાળો

27 April, 2023 01:01 PM IST  |  Ahmedabad | Rachana Joshi

સવારથી એરપોર્ટ પર રાહ જોતા પ્રવાસીઓની ફ્લાઇટના બપોર સુધી કોઈ ઠેકાણાં નહોતા

એરપોર્ટ પર લગાડેલું ઇન્ડિકેટર (ડાબે), ફ્લાઇટ ડિલે થવાને કારણે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓનો હંગામો

એરપોર્ટ પર ફ્લાઇટ મોડી થાય તેમાં કોઈ નવાઈની વાત નથી. આવું તો અવારનવાર થતું જ હોય છે. પણ ફ્લાઇટ ડિલે હોય અને કલાકો સુધી તેની કોઈ જાહેરાત પણ ન કરવામાં આવે તો કેવી પરિસ્થિતિ થાય! આજે સવારે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર પણ આવી જ કંઈક પરિસ્થિતિ સર્જાઇ હતી. ‘ગો ફર્સ્ટ એર’ (Go Air)ની સવારની ૮.૩૦ વાગ્યાની અમદાવાદ (Ahmedabad)થી મુંબઈ (Mumbai)ની ફ્લાઇટના બપોરે દોઢ વાગ્યા સુધી કોઈ ઠેકાણા જ નહોતા. જેને કારણે એરપોર્ટ પર ધમાચકડી થઈ હતી અને મુસાફરોના હાલ બેહાલ થયા હતા.

અમદાવાદ એરપોર્ટથી આજે સવારે મુંબઈની ફ્લાઇટ હતી. જે લગભગ ચાર કલાક કરતાં વધુ મોડી હતી. પણ છતાં આ બાબતે કોઈ જાહેરાત કરવામાં નહોતી આવી. ત્યારે પ્રવાસીઓની પરિસ્થિતિ ખરાબ થઈ હતી.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના એક વાચકે આપેલી માહિતી પ્રમાણે, ‘આજે સવારે અમદાવાદથી ગો ફર્સ્ટ એરની ફ્લાઇટ નંબર G8459 મુંબઈ જવા માટે ૮.૫૫ વાગ્યે ટૅક ઑફ થવાની હતી. જોકે, ફ્લાઇટનો સમય થયો ત્યાં સુધી એરપોર્ટ પર કોઈ જ અનાઉન્સમેન્ટ કરવામાં નહોતી આવી. વારંવાર પુછવા છતાં એરપોર્ટ ઑથોરિટી કે એરલાઇન્સ દ્વારા પ્રવાસીઓને કોઈ માહિતી આપવામાં નહોતી આવી. બાદમાં જણાવાયું કે, ફ્લાઇટ મોડી છે અને ૧૨.૫૫એ ટૅક ઑફ કરશે.’

૧૨.૫૫એ ફ્લાઇટ ટૅક ઑફ થશે તેનું ઇન્ડિકેટર

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના એક વાચકે અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે થયેલી રકઝકનો વીડિયો શૅર કર્યો છે.

અહીં જુઓ વીડિયો…

‘થોડીવાર પછી અમદાવાદ ટી૧ ના ગેટ નંબર ત્રણ પર પ્રવાસીઓ હંગામો કર્યા બાદ છેક લગભગ ત્રણ કલાક પછી ૧૨.૨૦એ એવું જણાવવામાં આવ્યું કે, મુંબઈ થી જ આ ફ્લાઇટ ટેક ઓફ નથી થઇ. એટલે હવે ફ્લાઇટ છેક બપોરે ૧.૩૦ કલાકે ટૅક ઑફ કરશે.’, તેમ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વચાકે ઉમેર્યું હતું.

૧.૩૦એ ફ્લાઇટ ટૅક ઑફ થશે તેનું ઇન્ડિકેટર

‘ગો ફર્સ્ટ એર’ની ફ્લાઇટના આ ગોટાળાને કારણે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓનો બેહાલ થઈ ગયા હતા. તેમજ કોઈ જાતતું ચોક્કસ માગદર્શન ન મળતું હોવાથી પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો – એર ઈન્ડિયાની ફ્લાઇટમાં વધુ એક વિવાદ, આ વખતે પાઇલટ ફસાયો DGCAના સકંજામાં

એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા પ્રવાસીઓ

આ સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી તો અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ આવી નહોતી. એટલે પ્રવાસીઓને હજી કેટલો સમય રાહ જોવી પડશે તેનો અંદાજો જ નહોતો! ફ્લાઇટ મેનેજમેન્ટના આવા રેઢિયાળ ખાતાથી પ્રવાસીઓ જબરજસ્ત રોષે ભરાયા છે.

gujarat gujarat news ahmedabad mumbai mumbai news mumbai airport gujarati mid-day rachana joshi