જૈનોનાં ત્રણ મુખ્ય તીર્થોની પેઢીએ યાત્રાળુઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા

08 June, 2020 08:45 AM IST  |  Mumbai Desk | Alpa Nirmal

જૈનોનાં ત્રણ મુખ્ય તીર્થોની પેઢીએ યાત્રાળુઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા

પાલિતાણા

૧ જૂનથી ગુજરાતમાં અનલૉક-1 ફેઝ શરૂ થયો છે. એ અંતર્ગત રાજ્ય સરકારે લૉકડાઉનમાં ઘણી રાહતો આપી છે. આ ફેઝમાં ગુજરાતમાં ધાર્મિક સ્થળોને આજથી ખોલવાની મંજૂરી પણ અપાઈ છે. ગુજરાતમાં જૈનોનાં સેંકડો જિનાલયો છે એ પૈકી ત્રણ મુખ્ય તીર્થ છે પાલિતાણા, શંખેશ્વર અને ગિરનાર. દર વર્ષે લાખો યાત્રાળુઓ આ તીર્થોની યાત્રાએ આવે છે. કોરોના મહામારીને કારણે જાહેર થયેલા લૉકડાઉનમાં અહીં પણ યાત્રા બંધ હતી જે હવે 8 જૂને પાલિતાણા અને ગિરનારની યાત્રાઓ યાત્રાળુઓ માટે અને સાધુ-સાધ્વીજી ભગવંતો માટે શરૂ થઈ છે ત્યારે અહીંની વહીવટકર્તા ‍શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ જાત્રા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. પેઢીના સંચાલકોએ સાધુ-સાધ્વીજીઓ તેમ જ યાત્રિકોને અનુશાસનનું પૂર્ણ પાલન કરવાની અપીલ કરી છે. માર્ગદર્શિકા અનુસાર જાત્રા સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી જ થશે. બાર વાગ્યા પછી તળેટીથી જ કોઈને ગિરિરાજ ઉપર જવા નહીં દેવાય. તમામ યાત્રિકોએ તળેટીમાં ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે અને હાથ સૅનિટાઇઝ કર્યા બાદ જ ચડવાનું ચાલુ કરી શકાશે. આખી યાત્રા દરમ્યાન મોઢા પર સારી ક્વૉલિટીનો માસ્ક પહેરી રાખવો કમ્પલ્સરી છે. ઉપરાંત હૅન્ડ ગ્લવ્ઝ પહેરવાની હિમાયત પણ કરાઈ છે.
જૈન ભાવિકો શત્રુંજય ગિરિરાજની યાત્રા શરૂ કરવા પૂર્વે તળેટીમાં સેવા, પૂજા, ચૈત્યવંદન આદિ વિધિ કરતા હોય છે; જેની સંપૂર્ણપણે મનાઈ ફરમાવવામાં આવી છે. ૩૩૦૦ પગથિયાં ચડ્યા બાદ ફરી ગઢના મુખ્ય દ્વાર પર ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને જો બધું યોગ્ય હોય તો જ અંદર પ્રવેશ અપાશે. ગિરિરાજ ઉપર આવેલા મુખ્ય આદેશ્વર ભગવાનની પૂજા ફક્ત આદેશ લેનાર છ ભાવિકો જ કરી શકશે. અન્ય યાત્રાળુઓએ રંગમંડપમાંથી ભગવાનનાં દર્શન કરી બહાર નીકળી જવાનું રહેશે અને  ધાર્મિક વિધિઓ સંક્ષિપ્તમાં બહાર જ કરવાની રહેશે. જે ભાવિકોને પ્રભુપૂજા કરવી હોય તેમને હનુમાન ધારા પાસેથી પાસ મળશે. એ પાસમાં નહાવાની જગ્યા તેમ જ કયા જિનાલયમાં કે દેરીમાં પૂજા અને ભક્તિ કરવાની છે એ લખ્યું હશે. દરેક વ્યક્તિએ ત્યાં જ પૂજા કરવાની રહેશે. મર્યાદિત વ્યક્તિઓને જ આદેશ્વરદાદાની પૂજા કરવાનો લાભ તેમ જ પૂજા ક્યાં-ક્યાં કરવાની છે એવું વર્ગીકરણ કરવાનું કારણ આપતાં આણંદજી કલ્યાણજી પેઢીના પાલિતાણા ખાતેના અસિસ્ટન્ટ મૅનેજર એ. ડી. શાહ કહે છે, ‘આ વ્યવસ્થા કરવા પાછળનો મુખ્ય હેતુ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાનો છે. જો કેન્દ્રીય અને રાજ્ય સરકારના આદેશોનું પાલન નહીં થાય તો જાત્રા બંધ કરવી પડશે. આથી ભાવિકો સૂચનાનું પાલન કરે.’
  ડોલીવાળા, ફૂલવાળા, તળેટીમાં આવેલું ભાતાખાતું, ધર્મશાળા, ભોજનશાળા વિશે જણાવતાં પાલિતાણાના અગ્રણી ચંદ્રકાન્ત કચ્છી ‘મિડ-ડે'ને કહે છે, ‘ડુંગર પર બેસતા ‍ફૂલવાળા તેમ જ  ડોળીવાળા કે ઉપરિયાણા મજૂરને ગિરિરાજ ઉપર જવાની અનુમતિ અત્યારે નથી. જેમનામાં ચડવાની શક્તિ હોય તે જ અહીં આવે. પેઢી સંચાલિત ભાતાખાતું અને ધર્મશાળા તો બંધ જ છે. તેમ જ અહીં આવેલી અન્ય પ્રાઇવેટ ધર્મશાળાઓને પણ અહીંના કલેક્ટર દ્વારા હજી કોઈ નિર્દેશ  મળ્યા નથી આથી અત્યારે ભોજનશાળા અને ધર્મશાળા બેઉ બંધ છે. વળી રોહીશાળા અને ઘેટી પાસેથી એન્ટ્રી પૉઇન્ટ બંધ છે આથી જાત્રાળુઓએ મુખ્ય તળેટીથી જ જાત્રા શરૂ કરવાની રહેશે.
જૈન શાસ્ત્રોમાં ચોમાસા દરમિયાન શત્રુંજયના ડુંગરની યાત્રા કરવાનો નિષેધ છે. ૪ જુલાઈએ ચાતુર્માસ બેસી જાય છે એથી પેઢીએ યાત્રા કરવા આવનાર ભાવિકોને એ પહેલાં જ અને આટલા સમયગાળામાં માત્ર એક જ જાત્રા કરવાનું સૂચન કર્યું છે. ઘણા જૈનો ચોમાસા પહેલાં શત્રુંજયની  જાત્રા કરવા જતા હોય છે, પણ મહામારીને કારણે બંધ થઈ ગયેલી ટ્રેન બાંદરા-ભાવનગર એક્સપ્રેસની સર્વિસ હજી ચાલુ નથી થઈ એટલે મુંબઈથી જનારો ભક્તવર્ગ ખૂબ જ ઓછો હોઈ શકે છે.’
જૂનાગઢ પાસે આવેલા ગિરનાર તીર્થની યાત્રા કરવા પૂર્વે ટેમ્પરેચર વગેરે મપાવવાનું રહેશે સાથે- સાથે પોતાનું આઇ-કાર્ડ પણ બતાવવાનું અને નામ નોંધાવવાનું રહેશે એવો શ્રી કલ્યાણજી આણંદજી  પેઢીનો આદેશ છે. ગિરનારમાં કોઈને પૂજા કરવાનું અલાઉડ કરાયું નથી, માત્ર દર્શન કરવાનાં રહેશે. વિરમગામ પાસે આવેલું શંખેશ્વર તીર્થ યાત્રાળુઓ માટે ૧૦ જૂને ખૂલશે અને એમાં પણ પાંચ પૂજાની બોલીનો આદેશ લેનાર ફક્ત પાંચ વ્યક્તિ જ ભગવાનની પૂજા કરી શકશે. હાલ ફક્ત ગુજરાતના જ જૈનોને અહીં આવવાની‍ મંજૂરી છે. ભક્તોની ભીડ એકઠી‍ ન થાય, લોકોનો જમાવડો ન થાય એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પણ ભોજનશાળા અને ધર્મશાળાની સગવડ હાલપૂરતી બંધ છે. આ ‍તમામ તીર્થોની પેઢીઓએ ભાવિકોને જૈન શાસનની શોભા વધે એ સારુ કાયદાની અવહેલના ન થાય એનું ધ્યાન રાખવાની વિનંતી કરી છે.

gujarat alpa nirmal