રાજ્યમાં 70 ટકા લોકો નૉનવેજ અને દારૂનો ઉપયોગ કરે છે: શંકરસિંહ

09 October, 2019 08:23 AM IST  |  ગાંધીનગર

રાજ્યમાં 70 ટકા લોકો નૉનવેજ અને દારૂનો ઉપયોગ કરે છે: શંકરસિંહ

શંકરસિંહ વાઘેલા

દારૂબંધી પર રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ મુંહતોડ જવાબ આપ્યા બાદ આજે શંકરસિંહ વાઘેલાનું દારૂબંધી પર નિવેદન સામે આવી રહ્યું છે. દારૂબંધી અંગે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાતમાં દારૂબંધીને લઈને ચાલતા ઘમસાણમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ ઝંપલાવ્યું. આજે ભાવનગરમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મુખ્ય મંત્રી અને રાજ્યપાલના બંગલાની પાછળ જ દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે ત્યારે સરકાર ગુજરાતમાં દારૂબંધી છે એવી વાતો ન કરે તો સારું. શંકરસિંહે વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાતમાં ૭૦ ટકા લોકો નૉનવેજ અને દારૂનો ઉપયોગ કરે છે તો ગુજરાતમાં દારૂબંધી શેની?

આજે ભાવનગરમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ દશેરા નિમિત્તે ગુજરાતની જનતાને એક સંદેશો પાઠવ્યો હતો. શંકરસિંહે સંદેશો પાઠવતાં જણાવ્યું કે ગુજરાતમાં અનેક રાવણોનો નાશ કરવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અશોક ગહલોતે ગુજરાતની દારૂબંધી વિશે જણાવ્યું હતું કે હું વ્યક્તિગત રીતે દારૂબંધીનું સમર્થન કરું છું. દારૂબંધીનો એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ એનો અમલ નિષ્ફળ રહ્યો હતો જેથી પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂની ખપત સૌથી વધુ છે, ઘરે-ઘરે દારૂ પીવાય છે.

આ નિવેદન પર પલટવાર કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે રાજસ્થાનના સીએમ અશોક ગહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવે. ગુજરાત કૉન્ગ્રેસના નેતાઓ દારૂબંધીના સમર્થનમાં છે કે તેઓ દારૂ પીવાનું સમર્થન કરે છે એ જણાવે.

gujarat gandhinagar