લંબાઈ શકે છે વેકેશન, શિક્ષણ પ્રધાનને કરાઈ રજૂઆત

02 June, 2019 02:01 PM IST  |  ગાંધીનગર

લંબાઈ શકે છે વેકેશન, શિક્ષણ પ્રધાનને કરાઈ રજૂઆત

હાલ રાજ્યમાં જબરજસ્ત ગરમી પડી રહી છે. હજી ચોમાસાને બેસવાનો પણ વાર છે. ત્યારે રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકશન લંબાવવા રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળ દ્વારા ગરમીની સાથે સાથે અન્ય કારણો પણ આપવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ગરમીને કારણે પાણીની અછત અને સુરત આગની ઘટના બાદ સંખ્યાબંધ શાળામાં કાર્યવાહી હાથ ધરાઈ છે. કેટલીક શાળામાં ગેરકાયદે બાંધકામ ધરાવતા રૂમો તોડી પડાયા છે. જેને પગલે અવ્યસ્થા સર્જાઈ શકે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખીને શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનને 17 જૂન સુધી લંબાવવાની માગ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે હાલની તારીખ પ્રમાણે ઉનાળુ વેકેશ 10 જૂનના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. સુરતમાં આગની ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે. સંખ્યાબંધ શાળાઓમાં શેડ્સ અને શેડ્સથી બનાવેલા ક્લાસરૂમ તોડી પડાયા છે. પરિણામે શાળાઓમાં અવ્યવસ્થા સર્જાઈ શકે છે. બીજી તરફ રાજ્યમાં ગરમી પણ પોતાના તેવર બતાવી રહી છે. જૂન મહિનો શરૂ થઈ ગયો છે, તેમ છતાંય હવામાન વિભાગ દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ચોમાસુ બેસવાના પણ કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા, ગરમીનાં સમયમાં ઓછા વર્ગખંડમાં શાળામાં બેસાડવા સંચાલકો માટે મોટી સમસ્યા બની ગઇ છે.

આ પણ વાંચોઃ પ્રદીપસિંહ જાડેજા કૅબિનેટ પ્રધાન અને જિતુ વાઘાણી ગૃહરાજ્ય પ્રધાન બને એવી શક્યતા

ત્રીજી સમસ્યા પાણી કાપની છે. ગ્રામીણ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક પાણી કાપ ચાલી રહ્યો છે. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઇ શકે છે. એવામાં હાલમાં આ વખતે 10 જૂનથી શાળાઓ શરૂ કરવી સંચાલકો માટે મુશ્કેલ બની છે. એટલે જ શિક્ષણ પ્રધાનને ઉનાળુ વેકેશન 17 જૂન સુધી લંબાવવાની રજૂઆત કરાઈ છે.

gandhinagar gujarat news