અદ્યતન સુવિધાઓથી સજ્જ છે એરપોર્ટ જેવું ગાંધીનગરનું રેલવે સ્ટેશન, જુઓ ઝલક

15 July, 2021 06:04 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાંધીનગરમાં પુનઃ નિર્મિત `ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન` તેમજ પંચતારક હોટેલનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. આ સ્ટેશન ઓરપોર્ટ જેવો અનુભવ કરાવે તેવું છે. તમે જ જોઈલો અહીં...

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના  પાટનગર ગાંધીનગરમાં પુનઃ નિર્મિત `ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન` તેમજ પંચતારક હોટેલનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. આવતી કાલે એટલે કે શુક્રવારે વડાપ્રધાન મોદી અદ્યતન સુવિધાઓથી સજ્જ આ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. આ સાથે ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ આપશે. વડાપ્રધાન આવતીકાલે બપોરે 4 કલાકે ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલ્વે સ્ટેશન સહીત આઠ જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઓનલાઈન લોકાર્પણ કરશે.

મહાત્મા મંદિર, મેટ્રો રેલ, અમદાવાદ-ગાંધીનગરને જોડતા છ-માર્ગીય ધોરીમાર્ગ, રક્ષા શક્તિ યુનિવર્સિટી, ગિફ્ટ-સીટી, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી સહિતના સંખ્યાબંધ અત્યાધુનિક પ્રકલ્પોની માફક `મહાત્મા મંદિર`ની નજીકમાં જ અદ્યતન નવિનીકરણ સાથે તૈયાર થયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનમાં 3 પ્લેટફોર્મ્સનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે.

ગાંધીનગર રેલવે સ્ટેશનમાં  2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે. આ ઉપરાંત, અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિઓ માટે વેઈટિંગ રુમ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા, ઑડિયો-વિડીયો, 105 મીટર લાબું કોલમ તથા સેન્ટ્રલી એર-કન્ડીશંડ મલ્ટિપર્પસ હૉલ સાથે એલ્યુમિનમની છત ધરાવતું સ્ટેશન છે. આ સ્ટેશનની વિશેષતા છે કે તે દિવ્યાંગો માટે ખુબ જ સાનુકૂળ છે.

 `ગુજરાતને દેશના સૌથી વિકસિત રાજ્ય તરીકે આગળ વધારવો છે`  આ શબ્દ છે નરેન્દ્ર મોદીના. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે સંકલ્પ કર્યો હતો. તેમની આ સંકલ્પનાના ભાગરૂપે જ ગાંધીનગર ખાતે વૈશ્વિક સ્તરનું `મહાત્મા મંદિર કન્વેનશન સેન્ટર કોમ્પ્લેક્સ` ઉભુ થયુ જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સહિતની અનેકવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, કોન્ફરન્સ, પ્રદર્શનો અને ઇવેન્ટ્સનું સાક્ષી રહ્યું છે.

આ પણ વાંચોઃં જોઈ લો, મોદીના ગામનું નવુંનક્કોર રેલવે સ્ટેશન

`મહાત્મા મંદિર` ખાતે નિયમિત રીતે યોજાતી દ્વિવાર્ષિક `વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ` બાદ તો આ સ્થળનું આકર્ષણ સૌના માટે અનેકગણું વધી ગયું છે. આ સ્થળ વિશ્વના અનેકાનેક દેશોના પ્રમુખો, વડાપ્રધાનો, સાંસદો, રાજદૂતો, ઉદ્યોગ સાહસિકો, વિજ્ઞાનીઓ અને શિક્ષણવિદો માટે મુખ્ય યજમાન સ્થળ બની ગયું છે.


ગુજરાત સરકારની 74% અને રેલવે મંત્રાલયની 24%ની ભાગીદારીથી આ કેપિટલ રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. વિકાસ અને આધુનિકીકરણની સાથે આ રેલવે સ્ટેશનની પાસે જ નવનિર્માણાધીન પંચતારક હોટેલ પણ બનાવવામાં આવી છે , જે દેશ-વિદેશના પ્રતિનિધિઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ અદ્યતન નવિનીકરણ પામેલું રેલવે સ્ટેશન અને હોટેલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેની અવકાશી ધરી ગુજરાત વિધાનસભાના ભવન સાથે એક હારમાં દેખાય !

 

 

gujarat gujarati mid-day gandhinagar indian railways