દ્વિચક્રી વાહનચાલક તેમ જ પાછળ બેસનાર બન્ને માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત

31 January, 2020 10:28 AM IST  |  Gandhinagar

દ્વિચક્રી વાહનચાલક તેમ જ પાછળ બેસનાર બન્ને માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં મોટાં શહેરો અને અન્યત્ર દ્વિચક્રી વાહન ચલાવતી વખતે માથાની સુરક્ષા માટે ફરજિયાત હેલ્મેટના કેન્દ્ર સરકારના નિયમમાં લેખિત નહીં પણ માત્ર મૌખિક જાહેરાત કરનાર રૂપાણી સરકારની હાલત ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ જેવી થવાની સાથે લોકોને પણ હવે વધુ એક હેલ્મેટનો ખર્ચ કરવો પડશે. કેમ કે રૂપાણી સરકારે ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં હોવાનું સોગંદનામું કરીને અને દ્વિચક્રી વાહન પર ચાલકની પાછળ બેસનારે પણ હવે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનો પણ અમલ કરવાની ખાતરી આપી હોવાથી દરેક વાહનચાલકે પાછળ બેસનાર માટે પણ વધુ હેલ્મેટની જોગવાઈ કરવી પડે તેમ છે. ટ્રાફિક પોલીસની હેરાનગતિ ફરીથી શરૂ થવાના અનુમાન પણ થઈ રહ્યા છે.

બીજેપીએ બીજી વાર કેન્દ્રમાં સરકાર બનાવ્યા બાદ સરકારે પીયુસી-હેલ્મેટ સહિત વાહન સંબંધિત અન્ય ગુનાઓમાં દંડની રકમમાં કમરતોડ વધારો કર્યો હતો. ગુજરાતમાં પણ તેનો કડક અમલ થતાં લોકો ત્રાહિમામ પોકારી જતાં રૂપાણી સરકારે રાજ્યમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપતી જાહેરાત કરી હતી. પરિવહન પ્રધાન આર. સી. ફળદુએ ગત ચાર ડિસેમ્બરે મોટા ઉપાડે મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું કે સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવી હવે મરજિયાત છે. હાઇવે પર ફરજિયાત હેલમેટ પહેરવી પડશે. લોકોને તેનાથી અને ખાસ કરીને ટ્રાફિક પોલીસની હોરાનગતિમાંથી માંડ છુટકારો મળ્યો હતો, પરંતુ રૂપાણી સરકારની આ જાહેરાતને હાઈ કોર્ટમાં પડકારતાં રૂપાણી સરકારની બંધ મુઠ્ઠી ખૂલી ગઈ હતી અને સરકારે માત્ર મીડિયામાં જાહેરાત કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. કેમ કે હાઈ કોર્ટમાં સોગંદનામું કરીને સરકારને કહેવું પડ્યું કે સરકારે હેલ્મેટ મરજિયાત કરી જ નથી અને હવે વાહન ચલાવનારની સાથે તેની પાછળ બેસનારે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવી પડશે!

રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના સરકારના નિર્ણય સામે સુરતના બિઝનેસમૅન સજીવ ઇઝાવાએ હાઈ કોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટિસ આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. હેલ્મેટના કાયદા અંગે સંજયે કહ્યું હતું કે સરકાર લોકોના સુરક્ષાના મુદ્દે કાયદો હટાવી ન શકે તે માટે હાઈ કોર્ટમાં અરજી કરીને વકીલ વગર જાતે જ કેસ લડી હતી.

આ અગાઉ પત્રકારોને સંબોધતા રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવી એ સૌના માટે હિતાવહ છે અને રાજ્યના નાગરિકોએ હેલ્મેટ પહેરવાની માનસિકતા રાખવી પડશે. સરકારે લોકલાગણીને માન આપીને રાહત આપી છે પરંતુ હેલ્મેટ પહેરવી જ જોઈએ.

gujarat gandhinagar