ચીનથી આવેલા 43 ગુજરાતીઓ સુરક્ષિત, કોરોના વાઇરસનાં લક્ષણ નથીઃ સરકાર

31 January, 2020 10:28 AM IST  |  Gandhinagar

ચીનથી આવેલા 43 ગુજરાતીઓ સુરક્ષિત, કોરોના વાઇરસનાં લક્ષણ નથીઃ સરકાર

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસનો પહેલો કેસ ભારતમાં નોંધાઈ ગયો છે, આ વાઇરસ ગુજરાતમાં ન પ્રવેશે એ માટે ખાસ તકેદારીનાં પગલાં ભરવાની કોશિશો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આ વિષયમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને કેવા પ્રકારની તકેદારી એરપોર્ટથી હૉસ્પિટલ સુધી રાખવામાં આવી છે એ વિશે વાત કરી છે. મહત્ત્વનું છે કે આ પહેલાં આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે પણ રાજ્ય સરકાર દ્વારા તમામ તકેદારીનાં પગલાં ભરવામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું અને ગુજરાતીઓને ચીનથી પાછા લાવવા અને તેમના સંપર્કમાં રહેવા માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ખાસ સુવિધા ઊભી કરાઈ હોવાનું જણાવ્યું હતું.

આરોગ્ય કમિશનરે જણાવ્યું કે આ રોગમાં ન્યુમોનિયાના રોગ જેવાં લક્ષણો દેખાય છે. આ રોગથી દૂર રહેવા માટે સ્વચ્છતા રાખવી જરૂરી છે. તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં આ રોગના ટેસ્ટ માટે સુવિધા નથી પરંતુ શંકાસ્પદ દરદીના ટેસ્ટ માટે સેમ્પલ પુના મોકલવામાં આવે છે.

ચીનથી ગુજરાત પરત આવેલા ૪૩ લોકો સાથે સંપર્ક રાખવામાં આવી રહ્યો હોવાનું જણાવીને કમિશનરે કહ્યું કે ચીનથી આવેલા તમામ (ગુજરાત આવેલા ૪૩ લોકો)માં કોઈ લક્ષણ દેખાયાં નથી અને તેમના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે.

gujarat gandhinagar