સીએમ રૂપાણીએ 21 ટીપી સ્કીમોને મંજૂરી આપી

02 June, 2019 08:16 AM IST  |  ગાંધીનગર

સીએમ રૂપાણીએ 21 ટીપી સ્કીમોને મંજૂરી આપી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યનાં શહેરી ક્ષેત્રોમાં સુઆયોજિત અને ઝડપી વિકાસની પ્રતિબદ્ધતા સાથે ૨૦૧૯ના વર્ષના પ્રથમ પાંચ જ મહિનામાં ૫૦ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ- ડેવલપમેન્ટ પ્લાન - ડીપી મંજૂર કર્યા છે. રૂપાણીએ મુખ્ય પ્રધાનનો પદભાર સંભાળ્યો ત્યારથી ૨૦૧૮ના વર્ષ સુધીમાં ટીપી સ્કીમની પરવાનગી-મંજૂરીની સદી-શતક આંક પહોંચાડ્યા બાદ આ વર્ષ ૨૦૧૯માં પાંચ જ મહિનામાં વધુ ૫૦ આવી સ્કીમને મંજૂર કરીને દોઢ વર્ષમાં ૧૫૦ જેટલી ટીપી-ડીપીને પરવાનગી આપવાનો વિક્રમ સર્જ્યો છે.

મુખ્ય પ્રધાને આચારસંહિતા બાદ જે ૧૨ ફાઇનલ ટીપીને મંજૂરી આપી છે એમાં રાજકોટ ટીપી નં. ૧૫ (વાવડી), અમદાવાદ ટીપી નં. ૮૯ (વટવા-૧), રાજકોટ ટીપી નં. ૨૭ (મવડી), ઊંઝા નં. ૪, ઊંઝા નં. ૬, સુરત નં. ૩૮ (વરિયાવ), વડોદરા નં. ૧ (ખાનપુર - સેવાસી), અમદાવાદ નં. ૧૧૧ (નિકોલ - કઠવાડા), ગાંધીનગર - ગુડા નં. ૧૬ (પેથાપુર), ગાંધીનગર ગુડા નં. ૧૩ (વાવોલ), ઊંઝા નં. ૧ (ફર્સ્ટ વેરીડ) અને અમદાવાદ નં. ૧૦૯ (મુઠિયા - લીલાસિયા-હંસપુરા)નો સમાવેશ થાય છે.

મુખ્ય પ્રધાને લોકસભા ચૂંટણીઓની આચારસંહિતા પૂર્ણ થતાં જ ૨૧ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ અને પે ડેવલપમેન્ટ પ્લાનની મંજૂરીના નિર્ણયો કર્યા છે. તેમણે ૨૦૧૯ના વર્ષના પ્રથમ પાંચ મહિનામાં જ ૫૦ જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપવાને પરિણામે રાજ્યમાં આશરે ૫ હજારથી પણ વધુ હેક્ટર વિસ્તારમાં આયોજનને ઓપ મળ્યો છે.

અમદાવાદમાં ડ્રેઇન લાઇન નાખવા ૬૦ કરોડની ગ્રાન્ટ મળી

અમદાવાદ શહેરના નવા બનેલા પશ્ચિમ ઝોનમાં શહેરી સુવિધાઓની કમી અંગે વારંવાર નાગરિકોની બૂમરાણ રહી છે ત્યારે આ વિસ્તારના લોકો માટે મોટી રાહતના ખબર છે. સીએમ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં સ્ટ્રોમ વૉટર ડ્રેઇન લાઇન નાખવા માટે ૬૦ કરોડ રૂપિયાની વધારાની ખાસ ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ચાલુ વર્ષ માટે અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવી છે.

આ પણ વાંચો : પ્રદીપસિંહ જાડેજા કૅબિનેટ પ્રધાન અને જિતુ વાઘાણી ગૃહરાજ્ય પ્રધાન બને એવી શક્યતા

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સમાવિષ્ટ નવા પશ્ચિમ ઝોનના આશરે ૧પ૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં હયાત સ્ટ્રોમ વૉટર નેટવર્કને વધુ સુદૃઢ બનાવવાનાં વિવિધ કામો માટે ચાલુ વર્ષે ખાસ ગ્રાન્ટ તરીકે આ ૬૦ કરોડ રૂપિયા ફાળવવાની અમદાવાદ મહાપાલિકાની માગણી ગ્રાહ્ય રાખી મુખ્યપ્રધાને ૬૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીએ ફાળવેલી આ ૬૦ કરોડની ખાસ ગ્રાન્ટ તહેત મુખ્યત્વે થલતેજ રેલ ક્રૉસિંગથી શાંતિપૂરા ચોકડી થઈ જૂના વણઝર ખાતે સાબરમતી નદીને જોડતી એક નવી સ્ટ્રોમ વૉટર ડ્રેઇન પાઇપ નાખવા માટેનાં કામો હાથ ધરાશે.

gandhinagar gujarat ahmedabad Vijay Rupani