કોરોનાનો એકેય પોઝિટિવ કેસ નહીં છતાં સરકાર અલર્ટ : નીતિન પટેલ

05 March, 2020 07:43 AM IST  |  Gandhinagar

કોરોનાનો એકેય પોઝિટિવ કેસ નહીં છતાં સરકાર અલર્ટ : નીતિન પટેલ

નીતિન પટેલ

ગુજરાતમાં કોરોના વાઇરસનો એકપણ કેસ નથી છતાં સરકાર આ મામલે અલર્ટ છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં અલગથી આઇસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને અગમચેતીના પગલારૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઇરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાનો એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે.

આ વિશે આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે આજદિન સુધી ગુજરાતમાં કોરોના વાઇરસનો એકપણ કેસ જણાયો નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યની તમામ સિવિલ હૉસ્પિટલમાં ૩૦ દરદીઓ સારવાર લઈ શકે એ માટેનો ખાસ આઇસોલેશન વૉર્ડ અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને બાળકો માટે પણ સિવિલ હૉસ્પિટલમાં ખાસ વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદમાં પણ કોરોના વાઇરસનો શંકાસ્પદ કેસ અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં નોંધાયો છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં એક મહિલામાં કોરોના વાઇરસનાં શંકાસ્પદ લક્ષણો દેખાયાં હતાં જેના પગલે મહિલાને આઇસોલેટેડ વૉર્ડમાં રાખવામાં આવી છે.

એક મહિલા શરદી, ઉધરસ અને તાવની દવા લેવા માટે આવી હતી. જોકે ફરજ પરના ડૉક્ટરોને મહિલામાં કોરોના વાઇરસનાં શંકાસ્પદ લક્ષણો હોવાની જાણ થતાં મહિલાને તરત જ આઇસોલેટેડ વૉર્ડમાં દાખલ કરવામાં આવી છે અને તેની પ્રાથમિક સારવાર ચાલુ કરી છે.

સુરતમાં ૧૦૦ જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

સુરત ઍરપોર્ટ પર શારજાહથી આવી ફ્લાઇટના ૧૦૦ જેટલા યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચીન થઈ અન્ય દેશથી સુરત આવતા યાત્રીઓની પણ તપાસ કરવામાં આવી છે. સુરતમાં સ્મિમેર હૉસ્પિટલ અને સિવિલ હૉસ્પિટલમાં કોરોના વાઇરસ માટે આઇસોલેશન વૉર્ડ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ૩૦ બેડનો વૉર્ડ તૈયાર કરાયો છે અને ૧૫ રૅપિડ ઍક્શન ટીમ તૈયાર કરાઈ છે.

સિંગાપોર-થાઇલૅન્ડના યાત્રી માટે અલગ ઍરોબ્રિજ ગોઠવાયો

સમગ્ર વિશ્વમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ ઍરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે. ઍરપોર્ટ પર કામ કરતા સ્ટાફને પણ અલર્ટ કરવામાં આવ્યો છે. તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીની ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. સિંગાપોર-થાઇલૅન્ડના યાત્રી માટે અલગ ઍરોબ્રિજ ગોઠવવામાં આવ્યો છે. સિંગાપોર-થાઇલૅન્ડથી આવતા યાત્રી માટે અલગ વૉશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ મુસાફરો માટે હૅન્ડ સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ સિવિલમાં આઇસોલેશન વૉર્ડ ઊભો કરાયો

કોરોના વાઇરસના શંકાસ્પદ અથવા તો અન્ય લોકોને દેખરેખમાં રાખવા માટે રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતે ખાસ આઇસોલેશન વૉર્ડ ઊભો કરવામાં આવ્યો છે. અહીં વિદેશથી આવેલા અને કોરોના વાઇરસના શંકાસ્પદ લાગતા લોકોને રાખવામાં આવશે. ચીનથી શરૂ થયેલી કોરોના વાઇરસની જીવલેણ બીમારી આખા વિશ્વમાં ફેલાઈ છે. આથી ભારત સરકારે પણ તમામ રાજ્યોને તકેદારીનાં પગલાં લેવાનો આદેશ કર્યો છે. એ સંદર્ભે સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે.

૧૫૮૨ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું : આરોગ્ય કમિશનર

રાજ્ય આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કોરોના વાઇરસ બાબતે પ્રેસ-કૉન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના જિલ્લામાં નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં ૧ હજાર ૫૮૨ મુસાફરો બહારથી આવ્યા તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને એ પૈકી ૨૫ સૅમ્પલ લેવામાં આવ્યાં. તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે કોરોના વાઇરસનો રિપોર્ટ બી.જે. મેડિકલમાં થઈ શકશે. જે મુસાફર વિદેશથી આવી રહ્યા છે તેમને પોતાની વિગત ફૉર્મ ભરીને આપવી પડશે. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યની તમામ મેડિકલ કૉલેજમાં આઇસોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

gujarat Nitin Patel coronavirus