ગુજરાતમાં આતંકવાદી હુમલાની દહેશતઃ ગુજરાત-રાજસ્થાનની રતનપુર બૉર્ડર સીલ

19 August, 2019 08:41 AM IST  |  ગાંધીનગર

ગુજરાતમાં આતંકવાદી હુમલાની દહેશતઃ ગુજરાત-રાજસ્થાનની રતનપુર બૉર્ડર સીલ

પ્રતીકાત્મક તસવીર

કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કરાતાં જ ભારતભરમાં આતંકી હુમલાની દહેશત છે. એવામાં ગુજરાતમાં પણ આતંકી હુમલાને લઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકી હુમલાની દહેશતને પગલે બૉર્ડર હાઈ અલર્ટને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બૉર્ડર સીલ કરાઈ છે. બૉર્ડર પાસે પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડીને તહેનાત કરવામાં આવી છે. હાલ ટ્રક સહિત વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવ્યા બાદ સમગ્ર ભારતમાં મોટા આતંકવાદી હુમલાને પગલે સેન્ટ્રલ આઇબીએ ગુજરાતમાં પણ હાઈ અલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યની જે આંતરરાજ્ય સરહદો છે એ તમામ સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના ડીજીપીના આદેશ બાદ રાજસ્થાન અને ગુજરાતને જોડતી અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ પર ૩૦ જેટલા હથિયારધારી એસઆરપી જવાનોની ટુકડી બૉર્ડર પર ખડકી દેવામાં આવી છે. તેમ જ પોલીસ જવાનોને બુલેટપ્રૂફ જૅકેટ સુરક્ષા માટે પૂરાં પાડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : નર્મદા ડૅમ 132.61 મીટરની સપાટીએ પહોંચ્યો

રાજસ્થાનમાં પ્રવેશતાં અને ગુજરાતમાંથી રાજસ્થાન જતાં તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શામળાજી પોલીસને તમામ વાહનોની તપાસ કરવાની સૂચના આપી દેવાઈ છે. હાલ બૉર્ડર પાસે ટ્રક સહિત વાહનોની સઘન તપાસ ચાલી રહી છે.

gujarat gandhinagar rajasthan