ગાંધીનગર: ગુજરાતના રેડ ઝોન 9 જિલ્લામાં કોરોના રિકવરી

18 May, 2020 09:55 AM IST  |  Gandhinagar | Agencies

ગાંધીનગર: ગુજરાતના રેડ ઝોન 9 જિલ્લામાં કોરોના રિકવરી

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોનાના કેર વચ્ચે મેડિકલ ફોર્સ અને દરદીઓના મક્કમ મનોબળ વચ્ચે રાહતના સમાચાર એ છે કે હવે રેડ ઝોનમાં પણ કોરોનાનો રિકવરી દર ઝડપથી વધી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા મહાનગર સહિત નવ જિલ્લાને સમાવતા રેડ ઝોનમાં છેલ્લાં બે સપ્તાહમાં ૨૪.૦૮ ટકા રિકવરી દર વધ્યો છે. એટલે કે ૧લી મેના રોજ ૧૪.૧૫ ટકા હતો, જે ૧૬ મેના રોજ ૩૮.૨૩ ટકા થયો છે. રાજ્યમાં પણ રિકવરી દર ૧૬ મેની સ્થિતિએ ૩૯.૨૦ ટકા થયો છે.

અમદાવાદનો રિકવરી દર બે સપ્તાહમાં સરેરાશ ૨૦ ટકા જેટલો વધ્યો છે. ૧લી મેએ ૧૨.૧૧ ટકા હતો, તે ૧૬ મેની સ્થિતિએ ૩૧.૨૫ ટકાએ પહોંચી ગયો છે. એ જ પ્રમાણે સુરતમાં પણ રિકવરી દર ૫૫.૨૫ ટકા વધ્યો છે. ૧ મેએ ૧૦.૨૪ ટકા હતો, તે ૧૬ મેએ ૬૫.૪૯ ટકા થયો છે. વડોદરામાં રિકવરી દરમાં ૨૬.૫૭ ટકાનો વધારો નોંધાયો છે. ૧ મેએ ૩૩.૧૧ ટકા હતો, જે વધીને ૫૯.૭૮ ટકા થયો છે. તો આણંદમાં ૧લીએ રિકવરી દર ૪૦.૫૪ ટકા હતો, જે ૮૬.૫૮ ટકાએ પહોંચી ગયો છે, જે રેડ ઝોનમાં સૌથી વધુ છે. જ્યારે ભાવનગરમાં ૧લીએ ૪૪.૬૮ ટકા હતો, તે ૬૪.૪૮ ટકા થયો છે. રાજકોટ, મહેસાણા, ભરૂચ સહિતના ૧૯ જિલ્લાને સમાવતા ઓરેન્જ ઝોનમાં છેલ્લા બે સપ્તાહમાં રિકવરી દર ૧૪.૪૭ ટકા વધ્યો છે. ૧લી મેએ આ દર ૪૩.૩૧ ટકા હતો, જે ૧૬મીની સ્થિતિએ વધીને ૫૭.૭૮ ટકા થયો છે. જ્યારે ગ્રીન ઝોનમાં સમાવિષ્ટ ૫ જિલ્લામાં ૧લી મે સુધી કોઈ એક્ટિવ કેસ નહોતો એટલે રિકવરી દર ૧૦૦ ટકા હતો. ૧૬ મેની સ્થિતિએ પાંચે જિલ્લામાં કુલ ૨૪ કેસ નોંધાયા, જેમાં ૮ને રજા અપાતાં રિકવરી દર ૩૩.૩૩ ટકા રહ્યો છે.

gujarat gandhinagar coronavirus covid19 lockdown