રૂપાણી વહીવટી તંત્રનો વધુ એક છબરડોઃ એઇટીન મિલ્યન એટલે અઢાર લાખ!

15 August, 2019 09:24 AM IST  |  ગાંધીનગર

રૂપાણી વહીવટી તંત્રનો વધુ એક છબરડોઃ એઇટીન મિલ્યન એટલે અઢાર લાખ!

વિજય રૂપાણી

રાજ્યના આદિવાસી વિસ્તાર છોટાઉદેપુરમાં ૧૫ ઑગસ્ટના સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ છે. ૧૫ની પૂર્વસંધ્યાએ આજે નસવાડીની એકલવ્ય તીરંદાજી ઍકૅડેમીને મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા ૧૮ લાખની સહાયતાનો જે ચેક આપવામાં આવ્યો એમાં વહીવટી તંત્રનો એક છબરડો બહાર આવ્યો છે. ચેકમાં આંકડામાં ૧૮ લાખ લખ્યા છે, જ્યારે શબ્દોમાં કોઈ હરખપદૂડા અધિકારી દ્વારા એઇટીન મિલ્યન એવું અંગ્રજીમાં લખ્યું છે. એક મિલ્યન એટલે ૧૦ લાખ થાય એટલે ૧.૮ કરોડની રકમ થઈ કહેવાય, પરંતુ ખરેખર ચેક આપ્યો છે ૧૮ લાખનો. આ મુખ્ય મંત્રી રૂપાણીને બદનામ કરવાનું કોઈ આયોજનબદ્દ કાવતરું તો નથીને? એવો પણ સવાલ રાજકીય ક્ષેત્રે ચર્ચાઈ રહ્યો છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી છાશવારે એવી રાજકીય અટકળો વહેતી થાય છે કે રૂપાણીને બદલવામાં આવશે.

મુખ્ય મંત્રીએ છોટાઉદેપુર ખાતે નસવાડી ઍકૅડેમીને જે ૧૮ લાખ રૂપિયાની સહાયનો ચેક આપ્યો છે એમાં જિલ્લા રમતગમત અધિકારી એલ. બી. ચૌહાણની સહી છે. આ અધિકારીએ ભૂલ કરી કે પછી કોઈએ તેમને ગેરમાર્ગે દોર્યા કે પછી તેમને મિલ્યનમાં ખબર ન પડી એ એક તપાસનો વિષય છે, પરંતુ આ છબરડો કોઈ નાનોમોટો નથી. કેમ કે મુખ્ય મંત્રી રૂપાણી પોતે એ ચેકની સાથે ફોટો પડાવી રહ્યા છે. ચેકમાં વંચાય છે કે ૧૮ મિલ્યન એટલે કે ૧૮૦ લાખ રૂપિયા થાય, પરંતુ આંકડામાં ૧૮ લાખ લખેલા છે. આ કોઈ મુખ્ય મંત્રી રૂપાણીને ભરબજારે બદનામ કરવાનું કાવતરું અને એ પણ આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી સમાજને અપાયેલી સરકારી સહાયના પ્રસંગમાં જબરદસ્ત ભૂલ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : હવે તબીબને 3 નહીં 1 વર્ષ સુધી ફરજિયાત ગામડામાં પ્રૅક્ટિસ કરવી પડશે

જિલ્લા અધિકારી કલાસ વન કક્ષાના હોય છે. માનો કે તેનાથી ભૂલ થઈ, પરંતુ જ્યારે મુખ્ય મંત્રીના હસ્તે ચેક વિતરણનો કાર્યક્રમ યોજાવાનો હોય ત્યારે આવા પ્રસંગે આઇ. એ. એસ. અધિકારીએ પણ કાળજી લેવી જોઈતી હતી, જે લેવાઈ નથી. આ છબરડા માટે મુખ્ય મંત્રીએ તપાસ કરીને અધિકારીઓને એક મિલ્યન એટલે કેટલા લાખ રૂપિયા થયા એની સાદી સમજ આપવી જોઈએ.

Vijay Rupani gujarat gandhinagar