ગુજરાતનાં ધારાસભ્ય ગેનીબહેનને ચપ્પુની અણીએ લૂંટવાનો પ્રયાસ

13 March, 2020 10:45 AM IST  |  Gandhinagar

ગુજરાતનાં ધારાસભ્ય ગેનીબહેનને ચપ્પુની અણીએ લૂંટવાનો પ્રયાસ

ગુજરાતનાં ધારાસભ્ય ગેનીબહેન

ગુજરાતમાં મહિલાઓની સલામતીના મુદ્દે રૂપાણી સરકાર જે વિધાનસભામાં સબ સલામત દાવા રજૂ કરે છે તે વિધાનસભાના જ મહિલા ધારાસભ્યની કારને કેટલાક ઈસમો દ્વારા ચપ્પુ દેખાડી ઊભી રાખવાનો મામલો સામે આવ્યો છે. કૉન્ગ્રેસ મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતે વિધાનસભામાં આ વાત રજૂ કરી હતી. અધ્યક્ષની પરવાનગી લઈને વાવનાં કૉન્ગ્રેસ મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે મંગળવારે રાતે ૧૦ વાગ્યે તેઓ ભાભરથી ગાંધીનગર આવી રહ્યાં હતાં ત્યારે પાટણ જિલ્લાના કાંસા ચાર રસ્તા પાસે રોડ પર ઊભી રહેલી અમુક વ્યક્તિઓએ તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. સમય જોતા ડ્રાઈવરે ગાડી ઊભી રાખવાને બદલે ભગાવી દીધી હતી.

તેઓ કહે છે કે આ મામલે તાત્કાલિક પાટણના ડીએસપીને ફોન લગાડ્યો હતો પણ સામેથી કોઈ જવાબ મળ્યો નહીં. આગળ સુજનપુર પાટિયા પાસે પોલીસ વાહનો જોતાં ત્યાં પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. જો ધારાસભ્ય ફોન કરે અને પોલીસ તેમની વાતને ગંભીરતાથી ન લેતી હોય તો રાજ્યમાં જ્યારે વારંવાર બળાત્કારના આટલા કિસ્સાઓ સામે આવે છે તે દીકરીઓનું શું થતું હશે, આ ગંભીર મુદ્દા અંગે પણ ગેનીબેન ઠાકોરે પ્રશ્ન કર્યો હતો.

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ વાતને ગંભીરતાથી લઈને તપાસ કરાવીશ. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આ વાતને ગંભીરતાથી લીધી હતી. તેમણે કહ્યું હતું કે આ મામલે યોગ્ય રીતના પગલાં લેવા જરૂરી છે. ગેનીબેન ઠાકોરનો મુદ્દો છે કે જ્યારે એક વિધાનસભ્યની વાતને જો પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં ન આવતી હોય તો સામાન્ય નાગરિક કે મહિલાઓની ફરિયાદને શું પોલીસ ગંભીરતાથી લેતી પણ હશે?

gujarat gandhinagar