કોરોના સંકટ વચ્ચે આજે રાજ્યસભાની ચૂંટણીઃબીજેપી-કૉન્ગ્રેસની અગ્નિપરીક્ષા

19 June, 2020 11:58 AM IST  |  Gandhinagar | Agencies

કોરોના સંકટ વચ્ચે આજે રાજ્યસભાની ચૂંટણીઃબીજેપી-કૉન્ગ્રેસની અગ્નિપરીક્ષા

બીજેપી-કૉંગ્રેસ

વર્તમાન કોરોના મહામારીની વચ્ચે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે આજે મતદાન થવાનું છે. ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી ભારે રસાકસીભરી આ ચૂંટણીમાં મતદાર તરીકે પ્રત્યેક ધારાસભ્યનો વોટ મહત્ત્વનો બની રહે તેમ છે. બીજેપીના રાજ્યસભાના ત્રણેય ઉમેદવારોમાં નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલાબેન બારા છે તથા કૉન્ગ્રેસના બે ઉમેદવારો શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. કૉન્ગ્રેસ પાસે ૬૫ મત છે અને બીજેપી પાસે ૧૦૩ મતો છે. કૉન્ગ્રેસે પોતાના ધારાસભ્યોને મતદાન કરતી વખતે ગોહિલને પ્રથમ અગ્રતા આપી છે. એનસીપીનો એક વોટ છે, છોટુભાઈ વસાવાની બીટીપી પાર્ટીના બે વોટ છે. એક અપક્ષ છે. એક બેઠક ખાલી છે.

અગાઉ મોકૂફ રખાયેલી આ ચૂંટણી ૧૯ જૂનના યોજવાની જાહેરાતના પગલે કૉન્ગ્રેસના બે ધારાસભ્યોએ લૉકડાઉનમાં રાજીનામાં આપતાં કૉન્ગ્રેસમાં ફરીથી ખળભળાટ મચ્યો હતો અને આ બે રાજીનામાંનો વિવાદ શાંત પડે એ પહેલાં વધુ એક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ સભ્યપદેથી રાજીનામું આપીને કૉન્ગ્રેસને બે બેઠકો જીતવી લગભગ અશક્ય બનાવ્યું છે. નંબર ગેમમાં બીજેપી હાલમાં આગળ હોવાથી એ કૉન્ગ્રેસ પાસેથી એક બેઠક છીનવી લે એમ છે. જોકે કૉન્ગ્રેસે દાવો કર્યો કે બીજેપીમાંથી ક્રૉસ-વોટિંગ થશે અને અમારા બન્ને ઉમેદવારો જીતશે. ચૂંટણી જાહેર થઈ ત્યારની પક્ષવાર સ્થિતિ પ્રમાણે બીજેપી અને કૉન્ગ્રેસ બન્ને બબ્બે બેઠકો જીતી શકે તેમ હતા, પરંતુ બીજેપીએ ત્રીજો ઉમેદવાર ઉતારીને નંબર ગેમમાં ત્રીજી બેઠક પણ જીતવાનું આયોજન કર્યું છે. બન્ને પક્ષે પોતાના સભ્યોને સાચવવા ઘેરાબંધી કરવામાં આવી છે.

વર્તમાન કોરોનાના સંક્રમણની સ્થિતિમાં સવારે ૯થી સાંજના ૪ વાગ્યા દરમિયાન રાજ્યસભાના મતદારો (ધારાસભ્યો) સંપૂર્ણ સલામતી રીતે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે મતદાન કરી શકે એ માટે મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીએ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અધિકારીની નિયુક્તિ સાથે મતદાન મથકમાં પ્રવેશનાર દરેક મતદારનું બૉડી ટેમ્પરેચર માપવામાં આવશે. જો નિયત આંક કરતાં તાપમાન વધારે જણાશે તો તેમને એક અલાયદી ચેમ્બરમાં બેસાડાશે. એ પછી માસ્ક અપાશે અને હૅન્ડ સૅનિટાઇઝ કરાશે. મતદાન પૂર્વે સમગ્ર મથકને સૅનિટાઇઝ કરવામાં આવશે.

ચૂંટણીના મતદાન પૂર્વે કોઈ મતદારને કોરોનાનું સંક્રમણ જણાય તો તેને પીપીઈ કિટ પહેરાવી મતદાન કરી શકે એની પણ જોગવાઈ રખાઈ છે. આ મતદાન પછી મતદાન મથકને સૅનિટાઇઝ કરી દેવાશે અથવા તમામ મતદારોના મતદાન પછી તેમનું મતદાન કરાવાશે. બીજેપીના જગદીશ પંચાલ, બલરામ થવાણી કોરોનાથી સ્વચ્થ્ય થઈને બહાર આવી ગયા છે, જ્યારે કિશોર ચોહાણનો કોરોના આઇસોલેશન પિરિયડ ગુરુવારે પૂરો થશે. આ ત્રણેય મતદાન કરી શકશે.

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે શુક્રવારે મતદાન થવાનું છે અને એના માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી ભારે રસાકસીભરી આ ચૂંટણીમાં પ્રત્યેક વોટ મહત્ત્વનો છે. આ સંજોગોમાં શાસક પક્ષ બીજેપીએ એના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને વિજયી બનાવવા માટે કરેલી અત્યાર સુધીની કવાયતને આખરી મહોર મારવા માટે બુધવારે કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં મૉક- વોટિંગ પ્રૅક્ટિસ કરવામાં આવી હતી.

બીજેપીના ત્રણેય ઉમેદવારની જીત નિશ્ચિતઃ જાડેજાનો દાવો

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન બીજેપી ગમે તે કરી શકે છે એવા કૉન્ગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન વિશે પ્રતિક્રિયા આપતાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ ચૂંટણીમાં બીજેપીના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે એટલે કૉન્ગ્રેસ સીધી હાર ભાળી ગઈ હોવાથી બેબુનિયાદ નિવેદનો કરે છે. કૉન્ગ્રેસ પાસે ૬૫ મત છે એટલે દિલ્હીના એક નેતાના ઇશારે એકને જિતાડવો એ બીજાને હરાવવાની નીતિ અજમાવાઈ રહી છે એ કૉન્ગ્રેસની આંતરકલહની નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આમ હાર ભાળીને કૉન્ગ્રેસ પોતાના ધારાસભ્યો સાથે લઇને ફરી રહી છે એ જ બતાવે છે અમારી જીત નિશ્ચિત છે. બીજેપીને કૉન્ગ્રેસના વોટની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે ચૂંટણીમાં બીજેપી અને કૉન્ગ્રેસના ધારાસભ્યો મુક્ત રીતે મતદાન કરી શકે, કોરોનાની સ્થિતિમાં તમામ પ્રકારની સાવચેતી, સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે મતદાન કરી શકે એવી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કૉન્ગ્રેસના ધારાસભ્યો સજ્જડ સુરક્ષા હેઠળ હોટેલમાં રખાયા

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની આવતી કાલે ચૂંટણી યોજાવાની છે, જેમાં કૉન્ગ્રેસ અને બીજેપી વચ્ચે સીધી ટક્કર છે ત્યારે બન્ને પક્ષો ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બન્ને પક્ષો દ્વારા પોતાના ધારાસભ્યોને મત આપવાનું લેસન આપવાની સાથે પોતાના જ ઉમેદવારને મત આપવાનો વિપ પણ અપાયો છે. બીજેપીના ધારાસભ્યો ગાંધીનગરમાં બહાર ફરી રહ્યા છે તો સામે કૉન્ગ્રેસના ધારાસભ્યોને અમદાવાદની ઍરપોર્ટ નજીકની હોટેલમાં સજ્જડ સુરક્ષા વચ્ચે રખાયા છે જેઓ મતદાનના દિવસે વિધાનસભા પહોંચશે. હોટેલમાં તેમને પણ મતદાનની અટપટી પ્રક્રિયા સમજાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.

એક-એક મતથી હારજીતનાં પરિમાણો બદલાઈ શકે

રાજ્યસભા ચૂંટણીમાં પક્ષ માટે નિષ્ણાત તરીકે સેવા આપતા કેટલાક આગેવાનોએ પણ ધારાસભ્યોને એકડા-બગડાનું ગણિત સમજાવ્યું હતું, બીજેપીના ધારાસભ્યોને નાની લીટી બાબતે પણ સૂચના આપી હતી અને કોઈ ગડબડ ન થાય એ જોવા જણાવ્યું છે. જો આ ચૂંટણી એક મત અયોગ્ય ઠરે તો પણ હા૨-જીતનું પાસું બદલી શકે છે. બીજી ત૨ફ કૉન્ગ્રેસ પક્ષ દ્વારા હોટેલ ઉમેદ ખાતે ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. એમાં ગુજરાત કૉન્ગ્રેસમાં એક બેઠક ગુમાવવાની ચિંતાની સાથે કોને પહેલો એકડો આપવો એ વિશે સૂચના આપવામાં આવી હતી.

gujarat Gujarat Congress Gujarat BJP gandhinagar Rajya Sabha