ગુજરાત કૉન્ગ્રેસમાં કકળાટ, એકસાથે 35 ધારાસભ્યોએ રાજીનામાંની આપી ધમકી

13 March, 2020 10:45 AM IST  |  Gandhinagar

ગુજરાત કૉન્ગ્રેસમાં કકળાટ, એકસાથે 35 ધારાસભ્યોએ રાજીનામાંની આપી ધમકી

ભરતસિંહ સોલંકી

મધ્ય પ્રદેશ કૉન્ગ્રેસની જેમ ગુજરાતમાં પણ રાજયસભાની ચૂંટણીને લઈને ભારે અસંતોષ બહાર આવ્યો હોય તેમ ઓછામાં ઓછા ૩૫ ધારાસભ્યોએ પાર્ટી હાઈકમાન્ડે રાજ્યસભાની બે બેઠકો માટે નક્કી કરેલા નામ શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાની સામે ભારે વિરોધ નોંધાવીને જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારતાં હાઈકમાન્ડે જાહેર નામો અટકાવીને પ્રદેશ નેતાઓ સાથે વાતચીત શરૂ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસ ૧૩ માર્ચની પૂર્વ સંધ્યાએ કૉન્ગ્રેસમાં કકળાટથી એક રીતે બીજેપી છાવણીમાં આનંદની લાગણી સર્જાય તે સ્વાભાવિક છે. જોકે કૉન્ગ્રેસ નેતાગીરીએ તાબડતોબ નિવેડો લાવવો પડે તેમ હોવાથી ૩૫ ધારાસભ્યોની રાજીનામાંની ચીમકીના અહેવાલથી હાઈકમાન્ડના ધબકારા એક તો મધ્ય પ્રદેશના રાજકીય સંકટથી વધેલા છે ત્યારે ગુજરાત કૉન્ગ્રેસનો કથિત અસંતોષ તેમને વધારે સંકટ આપે અને કેન્દ્રીય નેતાઓનો અસંતોષ પૂરી આગ ઠારવા ગુજરાત દોડાવવા પડે તો પણ નવાઈ નહીં.

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરફથી સૂચવવામાં આવેલા બે નામ પૈકી એક પણ નામ હાઈકમાન્ડે માન્ય રાખ્યું નહોતું અને બે નવા જ મુરતિયા મેદાને ઉતાર્યા હતા. જેથી ગુજરાત કૉન્ગ્રેસમાં ભડકો થયો છે.

ગુજરાતના ૩૫ ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેવાની ધમકી આપી દીધી છે. ગુજરાતના કૉન્ગ્રેસના ધારાસભ્યોએ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ રોષ ઠાલવ્યો છે અને સ્થાનિક ઉમેદવારને મહત્વ આપવા માગણી કરી છે જેથી અમિત ચાવડાએ આ નામો હાલ તુરત અટકાવી દીધા છે અને હાઈકમાન્ડ સાથે વાતચીતનો દોર શરૂ કરી દીધો છે.

ગુજરાતમાં કુલ ચાર રાજ્યસભા બેઠકો માટે આગામી ૨૬ માર્ચે ચૂંટણી યોજાવાની છે, જે માટે ગુજરાત કૉન્ગ્રેસ પ્રદેશ નેતાગીરી તરફથી બે નામ મોકલવામાં આવ્યાં હતાં. જેમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાનાં નામ સામેલ હતાં પરંતુ કૉન્ગ્રેસ હાઈકમાંડ તરફથી આ બન્ને નામો ફગાવી દેવામાં આવ્યાં હતાં. કૉન્ગ્રેસ હાઈકમાન્ડે શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાના નામ નક્કી કર્યાં હતાં. આમ ગુજરાત કૉન્ગ્રેસ તરફથી મોકલવામાં આવેલા બન્ને ઉમેદવારોના નામોનો છેદ ઉડાડી દેવાતા ધારાસભ્યો ભડક્યા છે.

લગભગ ૩૫ ધારાસભ્યોએ સામૂહિક રાજીનામાં આપવાની ધમકી આપી છે. આ ધારાસભ્યોની માગણી છે કે ઉમેદવાર ગુજરાતના સ્થાનિક હોવા જોઈએ. રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો દ્વારા મતદાન થતું હોવાથી આ ઉમેદવારો ધારાસભ્યોની પસંદગીના હોવા જોઈએ તેવી માગ કૉન્ગ્રેસમાંથી ઊઠી છે.

આ ધારાસભ્યો ગુજરાતના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા પર ભાર આપી રહ્યા છે. જો આમ નહીં કરવામાં આવે તો ૩૫ ધારાસભ્યોએ સાગમટે રાજીનામાં આપવાની ધમકી આપી દીધી છે.

gujarat Gujarat Congress