કચ્છમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ચારની ધરપકડ

09 March, 2020 06:25 PM IST  |  Mumbai Desk

કચ્છમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ચારની ધરપકડ

ચારની ધરપકડ

પાકિસ્તાનના ઇશારે સેનાના ઠેકાણાની માહિતી આપવાના આરોપમાં કચ્છ પશ્ચિમ પોલીસે ચાર જણની ધરપકડ કરી છે. કચ્છમાં આવેલા નલિયાના ઍરબેઝની જાણકારી અને એના ફોટોગ્રાફ્સ પાકિસ્તાનને સપ્લાય કરવાના આરોપમાં આ ચાર જણ ઝડપાયા છે. પોલીસે ઝડપેલા ચારેય જણ કચ્છના અબડાસા તાલુકાના રહેવાસી છે જેમાંથી એક સગીર છે.

કચ્છ પશ્ચિમ પોલીસે આ મામલે અબડાસા તાલુકાના મંજલના રહેવાસી રફીક મામદ આજમ ઉં.વ. ૨૩ રહે. રેલડિયા, અબ્બાસ દાઉદ પઢિયાર ઉં.વ. ૧૮ રહેવાસી નુંધાતળ અબડાસા અનને અરબાઝ ઇસ્માઇલ સુમરા ઉં.વ. ૨૦ રહે. બુકેરા ફળ‌િયું, નલ‌િયાની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક સગીર આરોપી પણ ઝડપાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ ચારેય શખ્સો વિરુદ્ધ નલીયા એરફોર્સના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક સંદીગ્ધો નલીયા એરફોર્સ બેઝની શંકાસ્પદ ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ ફરિયાદના આધારે કચ્છ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

ઝડપાયેલા ચારે આરોપીઓ વિરુદ્ધ પોલીસે આઇપીસીની કલમ ૧૨૩, ૧૨૦ બી તથા ઑફિશ્યલ સીક્રેટ ઍક્ટ ૧૯૨૩ની કલમ ૩ અને ૯ મુજબ ફરિયાદ દાખલ કરી છે. આ ચારેય યુવાનોએ ગદ્દારી કરી હોવાનો આરોપ છે. કચ્છ પશ્ચિમ પોલીસને પૂછપરછ દરમિયાન મળેલી માહિતી મુજબ આ આરોપીઓ નલિયા ઍરફોર્સની તસવીરો અને માહિતી પહોંચાડતા હતા.

પોલીસને અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ આ ચારેય જણ એક સુનિયોજિત ચેઇન દ્વારા પાકિસ્તાની જાસૂસી સંસ્થાને માહિતી પહોંચાડી રહ્યા હતા અને એના બદલામાં હવાલા મારફત પૈસા મેળવી રહ્યા હતા. ચારેય જણ યુવાન છે અને એમાંથી એક લવરમૂછિયો છે.

gujarat kutch pakistan