08 October, 2023 12:25 PM IST | Ahmedabad | Shailesh Nayak
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૪ ઑક્ટોબરે યોજાયેલી કૅપ્ટન-મીટ દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જનક પટેલ.
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૪ ઑક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની હાઈ-વૉલ્ટેજ વન-ડે ક્રિકેટ-મૅચ રમાવાની છે ત્યારે દેશ અને દુનિયાના અગણિત ચાહકો મેદાનમાં ઉપસ્થિત રહીને આ રોમાંચક મૅચ જોવા ઉત્સુક છે એવા સમયે વધુ એકવાર ધમકી મળતાં અમદાવાદ પોલીસ સતર્ક બની છે અને મૅચની સુરક્ષાને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મૅચના ચાર દિવસ પહેલાંથી જ પોલીસ-બંદોબસ્ત ગોઠવાઈ જશે. એટલું જ નહીં, ભારત-પાકિસ્તાન ટીમના ક્રિકેટરોની સ્પેસિફિક કૅર પોલીસ રાખશે. આ રસપ્રદ મૅચ જોવા માટે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આવવા પોલીસે પ્રેક્ષકોને હૈયાધારણ આપી છે અને નિર્ભીક બનીને દર્શકો મૅચનો આનંદ માણી શકે એવી સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવાની ખાતરી પોલીસે ઉચ્ચારી છે.
ધમકીની સામે અમદાવાદ પોલીસ સતર્ક છે અને સક્ષમ છે એવા સૂર સાથે અમદાવાદના સેક્ટર વન, ઍડિશનલ પોલીસ-કમિશનર ચિરાગ કોરડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાનની મૅચને લઈને સુરક્ષા-બંદોબસ્ત માટે અમદાવાદ પોલીસ તૈયાર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર અને બહાર તેમ જ એન્ટ્રી-ગેટ પર થ્રી-લેયરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાશે તેમ જ સ્ટ્રૅટેજિકલ લોકેશન પર ખાસ પહેરો રખાશે. અમદાવાદ શહેરના ચાર રસ્તા, રેલવે-સ્ટેશન, બસ-સ્ટેશન, હોટેલ પર વૉચ રાખવામાં આવી રહી છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાને લઈને સ્ટેડિયમ પર ત્રણ–ચાર દિવસ પહેલાંથી બંદોબસ્ત ગોઠવી દેવાશે. બન્ને ટીમના ખેલાડીઓની સુરક્ષા માટે પૂરતો ઇન્તજામ કરી દેવામાં આવ્યો છે. તેમની સ્પેસિફિક કૅર રાખવામાં આવશે. પ્રેક્ષકો સહિત કોઈએ પણ જરા પણ ડરવાની જરૂર નથી. પોલીસ ચુસ્ત બંદોબસ્ત રાખશે.’
ભારત-પાકિસ્તાનની મૅચને લઈને માત્ર સ્ટેડિયમમાં જ નહીં, પરંતુ આ દિવસોમાં સમગ્ર શહેરમાં પૂરતો પોલીસ-બંદોબસ્ત રહેશે. ક્રાઇમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ, બૉમ્બ-સ્ક્વૉડ, ડૉગ-સ્ક્વૉડ સહિતની એજન્સીઓ એકસાથે સુરક્ષાની કામગીરીમાં સાથે રહેશે. અમદાવાદમાં રમાનારી તમામ મૅચો માટે પૂરતો બંદોબસ્ત પોલીસ રાખી રહી છે અને ભારત પાકિસ્તાનની મૅચ હોવાથી અન્ય મૅચ કરતાં વધુ સઘન બંદોબસ્ત ગોઠવાશે.