નર્મદા નદીમાં ઘોડાપૂર આવતા કાંઠા વિસ્તારો પાણીમાં ગરકાવ,NDRF ખડેપગે

13 September, 2019 04:51 PM IST  | 

નર્મદા નદીમાં ઘોડાપૂર આવતા કાંઠા વિસ્તારો પાણીમાં ગરકાવ,NDRF ખડેપગે

નર્મદા ડેમમાં સતત વધી રહેલા પાણીના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીનું સ્તર વધતા નર્મદા ડેમનું 6.88 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નર્મદા નદીના પાણીમાં ધરખમ વધારો થયો છે. સ્થિતિ એટલી ગંભીર બની છે કે નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાં પાણી ઘૂસી ગયા છે. પાણીના વધતા સ્તરને કારણે ભરૂચ શહેર અને જિલ્લાના ગામોમાં પૂરનું જોખમ સર્જાયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NDRFની ટીમે ભરૂચ અને આસપાસના વિસ્તારનો સર્વે કર્યો હતો. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીના પાણીનું સ્તર 31.25 મીટરે પહોચી ગયું હતું

નર્મદા ડેમ પણ તેની ભયાનક સપાટીની આસપાસ વહી રહ્યું છે. નર્મદા ડેમની હાલની સપાટી 137.58 મીટર છે. સતત થઈ રહેલી પાણીની આવકના કારણે નર્મદા ડેમના ઉપરવાસમાંથી પણ 9.23 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે મુખ્ય નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને 9.31લાખ ક્યૂલેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા કરતા વધારે વરસાદ ખાબક્યો છે જેના કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી.

આ પણ વાંચો: ગુજરાત વરસાદ: છલકાયો નર્મદા ડૅંમ, જળસપાટી પહોંચી 137 મીટર

જો કે હાલ પૂરની સ્થિતિ નર્મદા નદીના આજુબાજુના વિસ્તાર પર તોળાઈ રહી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજની આસપાસના કાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. દાંડિયા બજાર, ફરજા બંદર બહુચરાજી ઓવરા જેવા ગામો પાણીમાં છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Gujarat Rains gujarati mid-day