અમદાવાદમાં ફ્લાઇટને પૅસેન્જર મળતા નથીઃ ૫૦ ટકા ઉડ્ડયનો રદ

29 May, 2020 02:32 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં ફ્લાઇટને પૅસેન્જર મળતા નથીઃ ૫૦ ટકા ઉડ્ડયનો રદ

પ્રતિકાત્મક તસવીર

દેશભરમાં ૨૫ મેથી પસંદગીના રૂટ પર ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન શરૂ કરાયું છે. મંગળવારે બીજા દિવસે અમદાવાદ ઍરપોર્ટથી શેડ્યુલ્ડ ૯૦ જેટલી ફ્લાઇટમાંથી ૫૦ ટકા જેટલી ફ્લાઇટ્સનું સંચાલન કરાયું હતું, જ્યારે બાકીની કૅન્સલ કરવામાં આવી હતી. બુધવારે પણ કેટલીક ફ્લાઇટ પૅસેન્જરને અભાવે રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઍર એશિયાની ૪, ઇન્ડિગોની ૧૦, ઍર ઇન્ડિયાની બે, વિસ્તારાની બે અને ગોઍરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. લૉકડાઉનને પગલે અમદાવાદ સહિત અનેક શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા હતા. જોકે ૨૫ મેથી ૩૦ જૂન સુધી પસંદગીના રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત બાદ લૉકડાઉનમાં ફસાયેલા લોકો સહિત અન્ય કેટલાક લોકોએ પણ બુકિંગ શરૂ કરાવ્યું હતું. જોકે અનેક રાજ્યોમાં હજી ૩૦ જૂન સુધી લૉકડાઉનમાં કોઈ છૂટ અપાઈ નહીં હોવાની સાથે પશ્ચિમ બંગાળ, તામિલનાડુ જેવાં કેટલાંક રાજ્યોએ હજી સુધી ફ્લાઇટના સંચાલનને મંજૂરી આપી નથી. જ્યારે કેટલાંક રાજ્યોએ અન્ય રાજ્યમાંથી આવતા લોકોને ફરજિયાત ક્વૉરન્ટીન કરવાની જાહેરાત કરી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો હજી પણ પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. એના પગલે ફ્લાઇટમાં પૂરતા પૅસેન્જરો મળતા નથી.

ઉડ્ડયન સર્વિસ શરૂ કરવામાં આવ્યા બાદ મુસાફરોના મેડિકલ સ્ક્રીનિંગમાં એકાદ નાની ચૂકથી કોરોનાના સંક્રમણનો વ્યાપ વધી શકે છે એવી દહેશત સાચી પડી રહી છે. અમદાવાદથી વાયા દિલ્હી થઈને ગુવાહાટી પહોંચનારા બે મુસાફરનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

અમદાવાદ સહિત દેશભરના ઍરપોર્ટમાં ૬૧ દિવસ બાદ ૨૫ મેથી ડોમેસ્ટિક પૅસેન્જર ફ્લાઇટનો પ્રારંભ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૫ મેના ફ્લાઇટનો પ્રારંભ થયો ત્યારે જ આ બન્ને મુસાફરોએ સ્પાઇસ જેટની ફ્લાઇટ (એસજી ૮૧૯૪)માં અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી ગુવાહાટી (એસજી ૮૧૫૨)ની મુસાફરી કરી હતી.

આ બન્ને મુસાફરો ગુવાહાટી ઍરપોર્ટ ખાતે ઊતર્યા ત્યારે તેમનું મેડિકલ સ્ક્રીનિંગ હાથ ધરાયું હતું અને એમાં બન્નેને કોરોનાનાં લક્ષણ જણાતાં તેમની કોવિડ ટેસ્ટ હાથ ધરાઈ હતી. આ કોવિડ ટેસ્ટનું રિઝલ્ટ ૨૭ મેના આવી ગયું છે અને એમાં બન્નેનો રિપોર્ટ પૉઝિટિવ આવેલો છે.

coronavirus covid19 lockdown gujarat ahmedabad