19 August, 2026 12:23 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
સુરતમાં જે રેસ્ટોરાંના ફૂડથી પૉઇઝનિંગ થયું એના કિચનમાં ગઈ કાલે પોલીસ અને ફૂડ સેફ્ટી ઑફિસરે તપાસ કરી હતી.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી શીતલ રેસ્ટોરાંમાંથી મગાવેલું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ-પૉઇઝનિંગની અસર થઈ હતી. આ ઘટનામાં પાંચ વર્ષની બાળકી આર્યાનું મોત થયું હતું, જ્યારે પરિવારના અન્ય ૪ સભ્યો પુણાગામની હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં ગુજરાતના રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાએ તપાસનો આદેશ આપ્યો છે. આ ઘટનાને પગલે રેસ્ટોરાં સીલ કરવામાં આવી છે.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોક કળસરિયાની ફૅમિલીએ ૧૫ ઑગસ્ટે રાતે શીતલ રેસ્ટોરાંમાંથી પંજાબી શાક મગાવ્યું હતું અને એ ખાધું હતું. ત્યાર બાદ પરિવારના સભ્યોની તબિયત લથડી હતી અને ઝાડા-ઊલટી થયાં હતાં. ઘરના પાંચ સભ્યોને સારવાર માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. એમાં ૧૭ ઑગસ્ટે રાતે પાંચ વર્ષની આર્યાનું મોત થયું હતું, જ્યારે મમ્મી-પપ્પા અને બે પુત્રી સારવાર હેઠળ છે.