કચ્છમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા

03 September, 2020 04:09 PM IST  |  Kutch | Gujarati Mid-day Online Correspondent

કચ્છમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાયા

પ્રતીકાત્મક તસવીર

કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના મોટા આંચકા આવવાનું સતત ચાલુ જ હોય છે. ગઈકાલે બપોરે 4.1ની તીવ્રતાનો મોટા આંચકો આવ્યા બાદ બીજા આંચકાઓ ચાલુ જ રહ્યાં છે. ગઈકાલે બપોર બાદ કચ્છમાં પાંચ આંચકા અનુભવાયા છે. કચ્છના દુધઈ, રાપર અને ભચાઉમાં આ આંચકા અનુભવાયા છે.

મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે બપોરે બે વાગ્યે કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ મોટા આંચકા બાદ વધુ ચાર આંચકા આવ્યા હતા. જેમાં તીવ્રતા અનુક્રમે 1.6, 2.5, 1.2 અને 1.9 રહી હતી. આમ, કચ્છમાં સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યાં છે. રાત્રે 9.15 વાગે 1.6 તીવ્રતાનો આંચકો ભચાઉથી 9 કિમી દૂર, રાત્રે 11.07 વાગે 2.5 ની તીવ્રતાનો આંચકો રાપરથી 18 કિમી દૂર, 2.53 કલાકે 1.2 ની તીવ્રતાનો આંચકો દુધઈથી 17 કિમી દૂર, સવારે 5.21 વાગે 1.9ની તીવ્રતાનો આંચકો દુધઈ 18 કિમી દૂર નોંધાયો છે. આમ, પાંચમાંથી ત્રણ આંચકા દૂધઈ વિસ્તારની આસપાસ આવ્યા છે. અહીં ત્રણવાર અલગ અલગ રિક્ટર સ્કેલના આંચકા આવ્યા છે.

ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, બુધવારે બપોરનાં 2.09 કલાકે આવેલા 4.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી 7 કિ.મી.દૂર ઈશાન ખૂણે નોંધાયું હતું. બાનિયારી નજીક જમીનમાંથી 30.5 કિ.મી.ઉંડાઈથી ઉદ્ભવેલા આંચકાથી અંજાર, આદિપુર, ગાંધીધામ, ભુજ, ભચાઉ, રાપર સહિતનાં તાલુકાનાં ગામોના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ધરતીકંપના આંચકાને લઈ અંજાર, ગાંધીધામ અને ભચાઉનાં લોકો બપોરનાં ભયનાં માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.

2001નાં ગોઝારા ભૂકંપ બાદ ભચાઉ-દુધઈ અને રણકાંધીના વિસ્તારમાં ભૂકંપના હળવા-મધ્યમ આંચકાઓનો દોર સતત ચાલુ રહ્યો છે. થોડાક વર્ષોથી ક્રમશઃ મધ્યમ તીવ્રતાના આંચકાનું પ્રમાણ ઘટતું ગયું છે.

gujarat kutch earthquake