કોરોનાના ડરથી છ મહિનાની દિકરીને હૉસ્પિટલમાં મુકીને માતા-પિતા ભાગી ગયા

02 May, 2020 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના ડરથી છ મહિનાની દિકરીને હૉસ્પિટલમાં મુકીને માતા-પિતા ભાગી ગયા

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસને દિવસે વધતા જ જાય છે. તેમા પણ અમદાવાદમાં કેસની સંખ્યા બહુ વધારે છે. શહેરમાં કોરોના વાયરસના વધતા કેસતી ડરથી નરોડામાં રહેતું દંપતી છ માસની દિકરીને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે મુકીને પોતાના ગામ રાજસ્થાન જતા રહ્યાં હતા. જો કે રાજ્સ્થાનમાં દંપત્તિને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. દરમ્યાન અહીં દિકરીનું મૃત્યુ થયું હતું. હૉસ્પિટલના સ્ટાફે માતા-પિતાને શોધવાની કોશિશ કરી પણ કોઈ મળ્યું નહીં એટલે બાળકીના અંતિમ સંસ્કાર સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક કાર્યકરે કર્યા હતા.

મૂળ રાજસ્થાનના અને હાલ નરોડા ગામમાં રહેતા ભરત ડામોર છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉન કરવામાં આવ્યું તે દરમ્યાન ભરત ભાઈની છ મહિનાની દિકરી દામિનિ બીમાર પડતા તેને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ભરત ભાઈ અને તેમની પત્નીને કોરોના ન થાય તે ડરથી બન્ને જણ બાળકીને સિવિલમાં મૂકીને રાજસ્થાન પોતાના ગામડે જતા રહ્યા હતા. જો કે રાજસ્થાન પહોંચ્યા પછી તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.

દરમ્યાન બીજી બાજુ સારવાર દરમિયાન દામિનીનું મોત નિપજ્યું હોવાથી હોસ્પિટલના તંત્રે તેના માતા પિતાની શોધખોળ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ માત-પિતા ન મળતા નરોડા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે તપાસ કરતા ખબર પડી કે, ભરતભાઈ અને તેમની પત્ની નરોડામાં રહે છે અને અત્યારે તેઓને રાજસ્થાનના ધંબોલા વિસ્તારમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ બાળકી દામિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરી કોલ્ડ સ્ટોરેજમાં મુકાયો હતો. મૃતદેહને સાત દિવસથી વધુ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય તેમ ન હોવાથી અંતિમ સંસ્કાર કરવા જરૂરી હતા. એટલે પછી સ્થાનિક કોર્પોરેટર અને સામાજિક કાર્યકરે બાળકીના અંતિમ સંસ્કાર કર્યા હતા.

coronavirus covid19 gujarat ahmedabad rajasthan