16 June, 2026 09:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી અમદાવાદ રિંગ રોડ પર આવી પહોંચી હતી. તસવીર: જનક પટેલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોનાં ખેતરોમાં વીજપોલ નાખવામાં આવતાં અને એનું પૂરતું વળતર નહીં મળતું હોવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દા સહિત ખેહૂતોના કેટલાક પ્રશ્નોને લઈને ગઈ કાલે વિરોધ કરવા ગુજરાતનાં અનેક સ્થળોએથી ખેડૂતોએ ટ્રૅક્ટર-રૅલી યોજી ગાંધીનગર તરફ કૂચ કરી હતી. રૅલીની મંજૂરી મળી ન હોવાથી અમદાવાદ રિંગ રોડ પર જડબેસલાક પોલીસ-બંદોબસ્તે ખેડૂતોની રૅલી અટકાવી હતી જેના પગલે થોડા સમય માટે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રૅલીને અટકાવાતાં ખેડૂતો ગાંધીનગર સુધી રજૂઆત કરવા જઈ શક્યા નહોતા. આ રૅલીની ઉલ્લેખનીય વાત એ હતી કે ટ્રૅક્ટર-રૅલીમાં મહિલા ખેડૂતો પણ જોડાઈ હતી અને ખેડૂતોના ન્યાયની માગણી કરી હતી.
કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કૉન્ગ્રેસ સહિતનાં વિવિધ ખેડૂતસંગઠનોએ ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી યોજી હતી જેમાં ખેડૂતો ઉપરાંત ગુજરાત કૉન્ગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા. આ રૅલીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો તેમનાં ટ્રૅક્ટર લઈને પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે ઊમટ્યા હતા.