પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું અવસાન

29 July, 2019 12:31 PM IST  |  અમદાવાદ

પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું અવસાન

વિઠ્ઠલ રાદડિયાનું અવસાન

સૌરાષ્ટ્રમાં ભાજપના કદાવર નેતા ગણાતા અને પૂર્વ મંત્રી રહી ચુકેલા વિઠ્ઠલભાઈ રાદડિયાનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ વિઠ્ઠલભાઈનું 61 વર્ષની વયે અવસાન થયું. તેમની અંતિમયાત્રા આવતીકાલે નીકળશે.

વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આવતીકાલે સવારના સાત વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી જામકંડોરણાના કન્યા છાત્રાલયમાં રાખવામાં આવશે. જ્યારે તેમની અંતિમ યાત્રા મંગળવારે બપોરે 1 વાગ્યે જામકંડોરણાના તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

વિઠ્ઠલભાઈનું ખેડૂત નેતા તરીકે મોટું નામ હતું. તેમના પુત્ર જયેશ રાદડિયા હાલ ગુજરાત સરકારમાં મંત્રી છે. વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી  2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે.  વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.

આવું હતું વિઠ્ઠલભાઈનું જીવન
વિઠ્ઠલભાઈ રાદડિયા B.A.ની ડીગ્રી ધરાવતા હતા. રાજનીતિમાં આવતા પહેલા તેઓ સામાજિક કાર્યકર હતા. તેઓ તેમના વતન જામ કંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા ચલાવતા હતા. વિઠ્ઠલભાઈએ જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. ત્યાંથી લઈને તેઓ ધારાસભ્ય અને સાંસદના પદ સુધી પહોંત્યા હતા.

સૌરાષ્ટ્રના હતા કદાવર નેતા
વિઠ્ઠલ રાદડિયાની સૌરાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ જ પકડ હતી. તેઓ ખેડૂતોના નેતા તરીકે જાણીતા હતા. એટલે જ જ્યારે 2019 લોકસભા માટે તેમની નાદુરસ્ત તબિયતના કારણે ભાજપે રમેશ ધડુકને ટિકિટ આપી ત્યારે તેમના સમર્થકો ખૂબ જ વિરોધ કર્યો હતો.  રાદડિયા શરૂઆતમાં ભાજપ સાથે જોડાયેલા હતા, બાદમાં જ્યારે શંકરસિંહ વાઘેલાએ અલગ મોરચો માંડ્યો ત્યારે તેઓ તેમની સાથે હતા. રાષ્ટ્રીય જનતા પાર્ટી બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને બાદમાં ભાજપમાં. ફરી એકવાર તેમનું કોંગ્રેસ ગમન થયું અને છેલ્લે તેઓ ભાજપમાં હતા. વિઠ્ઠલભાઈ 6 વાર ધારાસભ્ય બન્યા હતા.

gujarat Gujarat BJP