ગુજરાતના સીએમના મુખ્ય સલાહકાર તરીકે ડૉ. હસમુખ અઢિયાની નિમણૂક

28 December, 2022 09:58 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠોરની નિમણૂક કરાઈ છે

ડૉ. હસમુખ અઢિયા, એસ. એસ. રાઠોર.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્ય પ્રધાન કાર્યાલયમાં ઊભી કરીને બે નિવૃત્ત અધિકારીઓની આ જગ્યા પર નિમણૂક કરાઈ છે, જેમાં મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર તરીકે ભારત સરકારના પૂર્વ નાણાસચિવ ડૉ. હસમુખ અઢિયાની અને સલાહકાર તરીકે સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠોરની નિમણૂક કરાઈ છે.

ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી હતા. તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાસચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી ૨૦૧૮ની ૩૦ નવેમ્બરે નિવૃત્ત થયા હતા. તેઓ હાલમાં બૅન્ક ઑફ બરોડાના નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતના ચાન્સેલર છે. તેઓ મુખ્ય પ્રધાનને નાણાં, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણને લગતી બધી જ પૉલિસી અને એનું મૉનિટરિંગ વિષયમાં મુખ્ય સલાહકાર તરીકે કામગીરી કરશે.

સત્યનારાયણસિંહ રાઠોર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી હતા. તેઓ ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન વિભાગ તેમ જ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ માર્ગ, મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલવેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં સલાહકાર તરીકે ફરજ નિભાવશે.

gujarat gujarat news bhupendra patel