રાજ્યમાં છ વિધાનસભા પેટાચૂંટણીઃ 15 લાખ મતદારો 1781 મથક પર મતદાન કરશે

19 October, 2019 09:37 AM IST  |  ગાંધીનગર

રાજ્યમાં છ વિધાનસભા પેટાચૂંટણીઃ 15 લાખ મતદારો 1781 મથક પર મતદાન કરશે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની ૨૧ ઑક્ટોબરે ચૂંટણી યોજાશે. થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અમરાઈવાડી અને લુણાવાડા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલીકૃષ્ણને કહ્યું કે ૬ બેઠક પર ૧૪,૭૬,૭૧૫ મતદાર ૧૭૮૧ મતદાન મથક પર મતદાન કરશે.

રાજ્યમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકોમાં પેટાચૂંટણી યોજાશે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બીજેપીમાં જોડાઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય ચાર બેઠકના ધારાસભ્યો લોકસભામાં વિજેતા થતાં પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલીકૃષ્ણએ કહ્યું કે મતદાન મથકો પર વીજળી, પીવાના પાણી, ફર્નિચર તમામની વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે ૬ જિલ્લાઓમાં એસટી નિગમની ૧૫૬ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ૬ બેઠકો પર ૧૮૦૫ હથિયાર જમા લેવામાં આવ્યાં છે. બેઠકો પર સર્વેલન્સ ટીમ નક્કી કરવામાં આવી હતી, જેમાં ૨૧ ફ્લાઇંગ સ્ક્વૉડ, ૧૫ વિડિયો સર્વેલન્સ ટીમ, ૬ વિડિયો ટીમ અને ૨૪ સાબિતી કાર્યરત કરાઈ છે. ચૂંટણીના જાહેરનામા બાદ ૩૨ સર્વેલન્સ ટીમે ૬ મદદનીશ અને ખર્ચ નિરીક્ષકને કામે લગાડ્યા છે.

કેન્દ્રીય ચૂંટણી પંચ મુજબ આચારસંહિતા લાગુ થયા બાદ નશાબંધી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૭.૬૨ લાખનો ૯૭૪૬ લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત ૧૮૦૫ જેટલાં હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે. તેમ જ ૩૩૨૬ વ્યક્તિઓ સામે અન્ય કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને ૧૨૩૨ લોકો સામે નૉન- બેલેબલ વૉરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. ચૂંટણી સંબંધિત કોઈ હિંસક બનાવની ઘટના બની નથી.

ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે આગામી ૨૧ ઑક્ટોબરે ગુજરાતની ૬ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે, જેના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી, ફોટો મતદાર કાપલી વિતરણ, ઈવીએમ-વીવીપીએટી તેમ જ મતદાન કેન્દ્રોની ચકાસણીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ૨૧ ઑક્ટોબરે સવારે ૮ વાગ્યે મતદાન શરૂ થશે અને સાંજે ૬ વાગ્યે પૂર્ણ થશે. ૨૪ ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ૬ જિલ્લાની પેટાચૂંટણી માટે જીએસઆરટીસી તરફથી ૧૫૬ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : મોરબી સિરૅમિક ઉદ્યોગને મંદીનો મરણતોલ ફટકો: 200થી વધુ ફૅક્ટરીઓને તાળાં

૧૧ પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી શકશે

ભારતનાં ચૂંટણી આયોગે તેમના તા. ૧૨ ઑક્ટોબર ૨૦૧૯ના પત્રથી સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં યોજાનાર પેટાચૂંટણીમાં ફક્ત ‘ફોટો સાથેની મતદાર કાપલી’ એકલી મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા ઉપયોગમાં લઈ શકાશે નહીં. જે અગિયાર દસ્તાવેજો પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરવાના છે એમાં પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર/ રાજ્ય સરકાર, જાહેર સાહસ, પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી અપાતા ફોટો સાથેના ઓળખકાર્ડ, બૅન્ક/પોસ્ટ ઑફિસની ફોટો સાથેની પાસબુક, પૅનકાર્ડ, નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર હેઠળ આરજીઆઇ દ્વારા આપેલ સ્માર્ટ કાર્ડ, મનરેગા હેઠળના જૉબ કાર્ડ, શ્રમ મંત્રાલય તરફથી આપેલ હેલ્થ ઇન્શ્યૉરન્સ સ્કીમના ફોટો સાથેનાં સ્માર્ટ કાર્ડ, ફોટો સાથેના પેન્શન દસ્તાવેજો, સંસદસભ્યો/વિધાનસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને આપેલ અધિકૃત ઓળખકાર્ડ અને આધાર કાર્ડનો સમાવેશ થાય છે.

gandhinagar gujarat Election 2019