ચૂંટણી 2019:મળો સાબરકાંઠાના આ 'મરદ મૂછાળા' ઉમેદવારને, આ માટે છે ખાસ !

15 April, 2019 02:17 PM IST  |  સાબરકાંઠા

ચૂંટણી 2019:મળો સાબરકાંઠાના આ 'મરદ મૂછાળા' ઉમેદવારને, આ માટે છે ખાસ !

આ છે મરદ મૂછાળા મગનભાઈ

લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યુ છે. રાજકીય પક્ષના નેતાઓ પણ જીત માટે ગુજરાતની ધરતી ખૂંદી રહ્યા છે. રોજબરોજ ચૂંટણીને લગતા જાતભાતના સમાચાર સામે આવતા રહે છે. પરંતુ આ તમામ રાજકીય ઘટનાઓ વચ્ચે સાબરકાંઠાના એક અપક્ષ ઉમેરવાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાબરકાંઠાના અપક્ષ ઉમેદવાર મગનભાઈ સોલંકીની મૂછોના કારણે તેઓ મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મૂછે હો તો મગનભાઈ જેસી

સબારકાંઠા લોકસભા બેઠક પરથી 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી 10 ઉમેદવારો અપક્ષ છે. પરંતુ મતદારોને આ 20 ઉમેદવારોમાંથી મગનભાઈ સોલંકીમાં રસ પડ્યો છે. જેનૂં કારણ છે મગનભાઈની મૂછો! જી હાં, અપક્ષ ઉમેદવાર મગનભાઈ પોતાની મૂછોને કારણે ધીરે ધીરે લોકપ્રિય બની રહ્યા છે. મગનભાઈની મૂછો 2.5 ફૂટ (અઢી ફૂટ) લાંબી છે. એટલે તેમને જોવા માટે લોકોની ભીડ ઉમટે છે. જ્યાં જ્યાં મગનભાઈ પ્રચાર માટે જાય ત્યાં ત્યાં 'મૂછે હો તો મગનભાઈ જેસી'ની બૂમો પડે છે.

લડી ચૂક્યા છે કારગીલનું યુદ્ધ

મગનભાઈ સોલંકી કારગીલ યુદ્ધમાં ભારત તરફથી શૌર્ય બતાવી ચૂક્યા છે, સાથે જ શ્રીલંકામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. ભારતીય સૈન્યમાં નાયબ સૂબેદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા મગનભાઈ સોલંકી સૈન્યમાં કામગીરી બદલ 6 મેડલ મેળવી ચૂક્યા છે. મગનભાઈનું કહેવું છે કે ખેડૂતોને દેવામાફી, બેરોજગારી, પાક વીમાનો પ્રશ્ન અને અસહ્ય મોંઘવારીથી ગરીબોની હાલત કફોડી બનતા તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચોઃ લોકસભા 2019: ગુજરાતમાં ભાજપના હાથમાંથી સરકી શકે છે આ બેઠકો

મૂછની માવજતમાં જાય છે રોજ એક કલાક

હાલ મગનભાઈ સોલંકી સાબરકાંઠાના જુદા જુદા વિસ્તારોમાં ફરીને પ્રચાર કરી રહ્યા છે. મગનભાઈનું કહેવું છે કે આટલી લાંબી મૂછની માવજત પણ કાળજી પૂર્વક કરવી પડે છે. મૂછની માવજત કરવામાં તેમનો રોજનો એક કલાકનો સમય જાય છે. છેલ્લા 33 વર્ષથી તેઓ મૂછ વધારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લોકસભાના ઉમેદવારો જુદા જુદા કારણે ચર્ચામાં છે ત્યારે મગનભાઈ પણ લોકપ્રિય બની રહ્યા છે.

Election 2019 gujarat news