ગુજરાતમાં બે બેઠકો પરથી ગબ્બર લડી રહ્યા છે લોકસભાની ચૂંટણી

12 April, 2019 07:48 AM IST  |  ગાંધીનગર | શૈલેશ નાયક

ગુજરાતમાં બે બેઠકો પરથી ગબ્બર લડી રહ્યા છે લોકસભાની ચૂંટણી

ગુજરાતમાંથી ગબ્બર લડી રહ્યા છે ચૂંટણી

ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી ગબ્બર ચૂંટણી લડી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ આણંદ લોકસભા બેઠક પરથી એક નહીં, પરંતુ બે ભરત સોલંકી એકસાથે ચૂંટણી લડશે.

ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને અવનવી રસપ્રદ વિગતો જાણવા મળી છે, જેમાં એક નહીં, પરંતુ બે ગબ્બરે આ વખતે લોકસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી ઉમેદવારી કરી છે. સુરત બેઠક પરથી સુરવાડે સંતોષ અવધૂત ઉર્ફે ગબ્બર, અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે તો નવસારી બેઠક પરથી શર્મા રાજમલ મોહનલાલ ઉર્ફે ગબ્બરે, સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝુકાવ્યું છે.

આણંદ બેઠક પરથી કૉન્ગ્રેસના ઉમેદવાર છે ભરતભાઈ સોલંકી, પણ આ બેઠક પરથી તેમના નામેનામ એવા એક અપક્ષ ઉમેદવાર ભરતભાઈ સોલંકીએ પણ ચૂંટણીજંગમાં ઝુકાવ્યું છે. આ એક યોગાનુયોગ છે કે મતદારોને નામથી ભ્રમિત કરવાની રાજકીય ચાલ છે એ તો મતદારો જ નક્કી કરી શકે છે.

સામાન્ય રીતે તો કોઈ પણ બેઠક પર અપક્ષો અડિંગો જમાવતા હોય છે, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ખેડા બેઠક પર એક પણ અપક્ષ ઉમેદવાર નથી. આ બેઠક પર કુલ ૭ ઉમેદવાર છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર અને જામનગર બેઠક પરથી પાંચ–દસ નહીં, પરંતુ ૨૫–૨૫ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝુકાવ્યું છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ તો ૧૯૭ અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ૩૪૪ પુરુષ ઉમેદવારો, ૨૭ મહિલા ઉમેદવારો અને ૧ થર્ડ જેન્ડર ઉમેદવારે ચૂંટણીમાં ઉમેદવારી કરી છે.નવસારી બેઠક પરથી બે પત્રકારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે.

આ પણ વાંચોઃ ચૂંટણી 2019ઃગુજરાતમાં મતદાન સવારે ૭ વાગ્યાથી

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે ૪૭ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં ૪ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં સૌથી વધુ ૩૧ ઉમેદવારો સુરેન્દ્રનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેમાં ૨૫ તો અપક્ષ ઉમેદવારો છે. ગુજરાતમાં સૌથી ઓછા ૬ ઉમેદવારો પંચમહાલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

gujarat Election 2019 gandhinagar Gujarat BJP Gujarat Congress