કૉન્ગ્રેસમાં ટિકિટોના સોદા થાય છે : અલ્પેશ ઠાકોર

12 April, 2019 11:51 AM IST  |  દિયોદર

કૉન્ગ્રેસમાં ટિકિટોના સોદા થાય છે : અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોર (photo courtesy: Twitter)

 કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર ગુરુવારે દિયોદરમાં અપક્ષ ઉમેદવાર ઠાકોર સ્વરૂપજીના પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં જાહેર સભામાં અલ્પેશે જણાવ્યું કે કૉન્ગ્રેસ પાર્ટીએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેણે જવાબ આપવો પડશે. કૉન્ગ્રેસમાં ટિકિટોના સોદા થાય છે. છેલ્લા ૬ મહિનાથી મનોમંથન કરતો હતો અને હવે આખરે નર્ણિય લઈ લીધો.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે આજે નવી વાત કરવા આવ્યો છું, નવા પ્રચાર માટે આવ્યો છું. આપણે વ્યસનમુક્તિની વાત કરી, શિક્ષણની વાત કરી ત્યારે આપણને રોકવાની કોશિશ કરાઈ છે. આપણે જ્યારે કૉન્ગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું ત્યારે ઘણાં સપનાં હતાં.

અલ્પેશે જણાવ્યું કે કૉન્ગ્રેસ પાર્ટી જ્યારે સંઘર્ષ કરતી હતી ત્યારે આપણે તેમને સમર્થન આપ્યું હતું. જે પાર્ટી છેલ્લી ૩-૪ ચૂંટણીમાં ખૂબ ઓછી સીટો જીતતી હતી એને આપણે ખૂબ આગળ લઈ ગયા છીએ. હું કૉન્ગ્રેસમાં જોડાયો ત્યારે આપણી સેનાને સન્માન અપાયું, પણ ચૂંટણી પછી કૉન્ગ્રેસ દ્વારા આપણા કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ઘણા કહે છે કે તમને તો બહુ આપ્યું, પણ ભાઈ એ અલ્પેશ એકલા માટે થોડું છે.

અલ્પેશે કૉન્ગ્રેસ પાર્ટી પર આક્ષેપ લગાવતાં કહ્યું કે આ પાર્ટીમાં લોકો ટિકિટ માગવા જાય ત્યારે કહેવામાં આવે કે તમારી પાસે પૈસા છે. ક્યાંક ટિકિટોના સોદા પણ થતા હોય. કૉન્ગ્રેસ પાર્ટીએ આપણી સાથે વિશ્વાસઘાત કર્યો છે એને જવાબ આપવો છે.

અલ્પેશે વધુમાં જણાવ્યું કે ચૂંટણી પૂરી થયા બાદ દરેક ગામમાં રથ લઈને આવીશ. ૨૦૧૭માં અલ્પેશ ઠાકોર રૂપાળો લાગતો હતો, હવે તેમને ખરાબ લાગે છે. આપણે કૉન્ગ્રેસ અને ભાજપ બન્નેને હરાવવાના છે. આપણે આપણી તાકાત બતાવીએ કે કોઈ પાર્ટી એમ ન કહે કે બનાસકાંઠામાં સમીકરણ નથી બેસતું, ફક્ત પૈસાવાળાનું જ સમીકરણ બેસે છે. જે લોકોએ અલ્પેશ ઠાકોરને મજબૂર કર્યો તેમને બતાવવું છે.

આ પણ વાંચોઃ મારી અલ્પેશ સાથે કોઇ હરીફાઇ નથી, પણ તે પોલિટિક્સ શીખી ગયો છે : હાર્કિદ પટેલ

દિયોદરના કોતરવાડા ગામે અલ્પેશ ઠાકોરની સભા ચાલુ હતી ત્યારે ભારે પવન ફૂંકાવાને કારણે એક બાજુનો મંડપ ઊડી ગયો હતો. મંડપ તૂટી જતાં અફરાતફરીનો માહોલ સર્જા‍યો હતો. મંડપ ઊડી જતાં અલ્પેશે કહ્યું કે આ ઠાકોર સેનાની આંધી છે, બધાને લઈને ઊડી જશે. ઘણા લોકોમાં ગૅભરાઈ ગયો છે. આપણા ઉમેદવારનું નિશાન ગૅસનો બાટલો છે. આપણે ગૅસના બાટલાથી બધાનો ગૅસ કાઢી નાખવો છે. ઠાકોર સેનાની તાકાત બધાને બતાવી દેવી છે.

Alpesh Thakor Election 2019 gujarat Gujarat Congress