ગુજરાતના લખતરમાં આઠ ઇંચ વરસાદ પડ્યો

14 August, 2020 12:48 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતના લખતરમાં આઠ ઇંચ વરસાદ પડ્યો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત પર મેઘરાજા મહેરબના થયા હોય તેમ ગઇકાલે ગુજરાતમાં સચરાચર વરસાદ પડ્યો હતો.ગુજરાતના ૨૨૮ તાલુકાઓમાં ક્યાંક હળવો તો ક્યાંક સાંબેલાધાર વરસાદ પડતા ગુજરાતમાં કંઇ કેટલીય નદી – નાળા, નાના મોટા ડેમ છલકાઇ ગયા હતા.લખતર તાલુકામાં આઠ ઇંચ જેટલો અને વઢવાણ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.તો સુરતમાં લિંબાયત સહીતના વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતા નાગરીકો મુશકેલીમાં મુકાયા હતા.બીજી તરફ વરસાદના કારણે બે ડેમના પાણી છોડાતા દેવભૂમિ દ્વારકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું.
ગુજરાતમાં ગઇકાલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે બઘટાડી બોલાવી દીધી હતી.સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકામાં સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં ૧૯૪ મિ.મી. એટલે કે આઠ ઇંચ વરસાદ અને વઢવાણ તાલુકામાં ૧૨૨ મિ.મી. એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.ગઢડાની ઘેલો નદીમાં પૂર આવતા રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો હતો.તો વર્તુ અને સાની ડેમમાંથી પાણી છોડાતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું.કચ્છના રાપરમાં વરસાદથી શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતા.વિરપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.વિરપુર – મેવાસ વચ્ચેના પુલ પર સરયામતી નદીના પાણી ફરી વળતા વાહનચાલકોની સલામતી માટે પુલ બંધ કરાયો હતો. દક્ષિણ ગુજરાતમાં તાપી જીલ્લાનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા સોનગઢ અને વ્યારા તાલુકાના ૧૨ ગામોને એલર્ટ કરાયા હતા.

gujarat Gujarat Rains shailesh nayak