02 March, 2025 07:00 AM IST | Dwarka | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
Dwarka News: તાજેતરમાં જ મહા શિવરાત્રીની ધાર્મિક ઉજવણી સમગ્ર દેશમાં અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી. આ મહાશિવરાત્રિના એક અગાઉ ગુજરાતના દ્વારકામાં એવી ઘટના બની કે જેણે લોકોને વિચારતાં કરી મૂક્યા છે. અહેવાલો જણાવે છે કે દ્વારકામાં આવેલ હર્ષદનું પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરના શિવલિંગની ચોરી થઈ ગઈ હતી.
પહેલાં અફવા ફેલાઈ કે દરિયામાં સમાઈ ગયું છે શિવલિંગ
જ્યારે આ શિવલિંગ ગાયબ થઈ ગયું ત્યારે એવી પણ વાતો ચગવા લાગી હતી કે આ શિવલિંગ (Dwarka News) તો દરિયામાં સમાઈ ગયું છે. ત્યારબાદ પોલીસે સ્કુબા ડાઇવિંગ ટીમ સાથે દરિયામાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. પરંતુ હવે જે માહિતી સામે આવી છે, તે જાણીને સૌ નવાઈ પામી ગયા છે.
સાબરકાંઠાના પરિવારે હદ વટાવી – સપનાને સત્ય માનીને ચોરી કર્યું હતું શિવલિંગ
વાત એમ છે કે દ્વારકા (Dwarka News)થી 500 કિમી દૂર સાબરકાંઠાના હિંમતનગરમાં મહેન્દ્ર મકવાણા રહે છે. તેની ભત્રીજીને એક દિવસ સપનું આવ્યું હતું. આ સ્વપ્નમાં તેને શિવલિંગ પોતાના ઘરમાં સ્થાપિત કરવાનું કહેવાયું હતું. જો આવું કરવામાં આવશે તો ઘરની સમૃદ્ધિ વધશે. ભત્રીજીને આવેલા સપના મુજબ આ પરિવારે દ્વારકાના મંદિરમાંથી શિવલિંગ ચોરી કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે. શિવલિંગ ચોરવા માટે આ મકવાણા પરિવારના 7-8 સભ્યો થોડા દિવસો પહેલા દ્વારકા પહોંચ્યા હતા અને મંદિરની રેકી પણ કરી હતી. જ્યારે આ પરિવારને તક મળી કે તરત જ તેઓએ શિવલિંગ ચોરી લઈને પોતાના ઘરમાં લાવીને સ્થાપિત કરી લીધું હતું.
ટેકનિકલ અને અન્ય લોકોની મદદથી પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા છે. મકવાણા પરિવારના મહેન્દ્ર, વનરાજ, મનોજ અને જગતને દબોચી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસ જણાવે છે કે ચોરીમાં પરિવારની ત્રણ મહિલાઓએ પણ દખલગીરી કરી હતી. દ્વારકા એસપી નીતીશ પાંડે કહે છે, "અમે તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી છે. મહેન્દ્રની ભત્રીજીને સ્વપ્ન આવ્યું હતું કે જો તેઓ હર્ષદના ભીડભંજન મહાદેવનું જે શિવલિંગ આવેલ છે તે તેમના ઘરમાં સ્થાપિત કરશે, તો તે તેઓના પરિવારના ભાગ્ય પલટાઈ જશે અને પરિવારમાં સમૃદ્ધિ આવશે. આ જ સપના અનુસાર પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને પ્લાન બનાવી અને તેનો અમલ (Dwarka News) કર્યો હતો. બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવનાર છે." આ સાથે જ પોલીસ તપાસમાં આરોપીઓના ઘરમાંથી ચોરી કરાયેલ શિવલિંગ જપ્ત કરવામાં આવ્યું છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે ચોરી થયેલું શિવલિંગ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને ફરી તેને દ્વારકાના મંદિરમાં જય હતું ત્યાં તે જ સ્થાને સ્થાપિત કરવામાં આવ્યું છે.