સરકારી સહાય મેળવીને ડોક્ટર થનારને ગામડામાં 1 વર્ષની સેવા ફરજિયાત

14 August, 2019 03:21 PM IST  |  ગાંધીનગર

સરકારી સહાય મેળવીને ડોક્ટર થનારને ગામડામાં 1 વર્ષની સેવા ફરજિયાત

રાજ્ય સરકારે સરકારી સહાય મેળવીને ડોક્ટર્સ બનતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. સરકારી સહાય સાથે ડોક્ટર બનતા લોકોએ હવે ગામડામાં ફક્ત એક જ વર્ષ સેવા આપવી પડશે. અત્યાર સુધી આ નિયમ મુજબ 3 વર્ષ સુધી ગામાડમાં સેવા ફરજિયાત હતી. જો કે 1 વર્ષ ગામડામાં ન રહેવું હોય તો 20 લાખનો દંડ ભરવો પડશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની મેડિલકલની 5,360 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વની જાહેરાતો કરી છે. રાજ્ય સરકારે MBBS પૂર્ણ કર્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ફરજિયાત સેવાનો સમય 3 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરોની ઘટ વધી શકે છે. હાલ રાજ્યની સરકારી અને જનરલ હોસ્પિટલ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળીને 28 ટકા જગ્યાઓ ખાલી છે.

જે વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા ન આપવી હોય તેમણે 20 લાખ રૂપિયા રાજ્ય સરકારમાં જમા કરાવવા પડશે. બાદમાં જ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. જે બાદ જ ડોક્ટરો પ્રેક્ટિસ કરી શક્શે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરેલી જાહેરાત પ્રમાણે સરકારી લાભ મેળવીને MBBS થયેલા વિદ્યાર્થીઓએ હવે 5 લાખના બોન્ડ અને 15 લાખની ગેરેંટી આપવી પડશે. કુલ રૂપિયા 20 લાખની ગેરેન્ટી રૂપિયા 300ના સ્ટેમ્પ પર આપવી પડશે. બોન્ડ માટે વિદ્યાર્થીએ બેંક ગેરેંટી તરીકે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી રૂ.40 કરોડથી વધુ ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈપણ શિડ્યુલ બેંકોની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી રૂ.40 કરોડથી વધુની ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈપણ નાગરિક સહકારી બેંકની ગેરેંટી આપવાની રહેશે. જો કે રાજ્ય સરકારે જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ નબળી હોય, જેમના પરિવાર પાસે મિલકત ન હોય તેવા ખાસ કિસ્સામાં ગેરેંટી આપવાથી છૂટ આપી છે.

gujarat gandhinagar Nitin Patel