22 May, 2025 08:14 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ધરોઈ ડૅમ
ઉત્તર ગુજરાતમાં ખેરાલુ – સતલાસણાથી અંબાજી તરફ જતા માર્ગમાં આવતો ગુજરાતનો વર્ષો જૂનો ધરોઈ ડૅમ હવે ઍડ્વેન્ચર ઍક્ટિવિટીનો ભાગ બનવા જઈ રહ્યો છે. ધરોઈ ડૅમ ખાતે પહેલી વાર ૨૩ મેથી ધરોઈ ઍડ્વેન્ચર ફેસ્ટ શરૂ થશે જ્યાં જળ, જમીન અને આકાશમાં સહેલાણીઓ ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનો અનુભવ કરી શકશે.
ગુજરાત પ્રવાસન વિભાગ અને ઍડ્વેન્ચર ટૂર ઑપરેટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા ધરોઈ ખાતે શરૂ થનારા આ ફેસ્ટનું આવતી કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કરશે. ગુજરાતના પ્રવાસન પ્રધાન મુળુ બેરાએ કહ્યું હતું કે ‘સૌપ્રથમ વાર યોજાઈ રહેલા આ ફેસ્ટમાં પાણીમાં પાવરબોટ, પૅરાસેઇલિંગ તેમ જ આકાશમાં પૅરામોટરિંગ અને જમીન પર રૉક-ક્લાઇમ્બિંગ, બોલ્ડ રિંગ, ટ્રેકિંગ, હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાઇક્લિંગ જેવી ઍક્ટિવિટીઝ થશે. આ ઉપરાંત પ્રવાસીઓને યાદગાર અનુભવ મળે એ માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચરવૉક તેમ જ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થશે. અહીં રહેવાની સુવિધા સાથે સહેલાણીઓને ડૅમના સાંનિધ્યમાં કુદરતી વાતાવરણમાં સાહસ, સંસ્કૃતિનો અનુભવ થશે.’