વડોદરામાં જેના મોતથી ઘરમાં માતમ હતો તે દિકરો જીવતેજીવ ઘરે આવ્યો,આવુ કેવી રીતે..?

23 June, 2022 07:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હકીકતે, વડોદરા પોલીસને એક 45 વર્ષીય પુરુષનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા તેની ઓળખ કરવા માટે સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

આપણે ટીવી પર અનેક વાર એવું જોયું હશે કે જેમાં મૃત થયેલી વ્યક્તિ જીવતી પાછી આવે. પણ ગુજરાતના વડોદરમાં વાસ્તવિકમાં એવી ઘટના બની છે. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર કર્યા, તે થોડા કલાકો બાદ અચાનક ઘરમાં એન્ટ્રી કરે છે. એક તરફ લોકો તેના મોતનુ માતમ મનાવતા હતા, તો બીજી તરફ ઘરે પહોંચેલી આ વ્યકિત આ બધું જોઈ આશ્ચર્યમાં પડી ગઈ હતી. પણ આ બધું કેવી રીતે થયું તે જોઈએ.

હકીકતે, વડોદરા પોલીસને એક 45 વર્ષીય પુરુષનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા તેની ઓળખ કરવા માટે સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ કરી હતી. આ તસવીર સોમેશ્વપુરા ગામમા રહેતા શનાભાઈના ધ્યાન પર આવી અને તેમણે પોલીસને જણાવ્યુ કે આ મૃતદેહ તેમના દીકરા સંજયનો છે. સંજયનું મોત થયું છે તે જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. પરિવાર ભારે હૃદયે સંજયના અંતિમ સંસ્કાર કરી બપોરે ઘરે પહોંચ્યો અને સાંજે એ જ દીકરો સંજય જીવતેજીવ ઘરે પાછો આવ્યો. સંજયને જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.  

પહેલા તો બધા બાઘા જેવા થઈ ગયા હતા. પરંતુ બાદમાં જ્યારે સમજ પડી તો વિચાર આવ્યો કે આવુ થઈ જ કેવી રીતે શકે. જેના અંતિમ સંસ્કાર કર્યા તે દીકરો જીવંત કેવી રીતે થાય એવો સવાલ થયો, પરંતુ દિકરાને જીવતો જોઈ પરિવારમા હરખ સમાયો ન હતો. 

આ કેવી રીતે બન્યુ..?

પિતાએ જેના મૃતદેહની ઓળખ કરી હતી તે મૃતદેહ અને સંજય વચ્ચે ઘણી સામ્યતા હતી. જેથી પરિવાર પણ દીકરાને ઓળખવામાં થાપ ખાઈ ગયો. પરિવારને પોતાની ભૂલ સમજાતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓને આ વિશેની જાણ કરી હતી. પોલીસ હવે તે મૃતદેહની ઓળખ માટે ફરીથી કાર્યવાહી કરશે. 

gujarat news vadodara